પુણામાં બે યુવાનોને હનીટ્રેપમાં ફસાવી પોલીસના સ્વાંગમાં અપહરણ કરી બે લાખની ખંડણી વસૂલનાર ટોળકીના સૂત્રધારને સુરત ઍસઓજી ઍ ઝડપી લીધો હતો.
સવા વર્ષ પહેલાં પુણાના બે યુવાનોને હનીટ્રેપ ગોઠવી હતી. સ્ત્રી મિત્ર મારફત બે યુવાનોને ફોન કરી ભૈયાનગરના અર્પણ ઍપા.માં બોલાવ્યા હતા. આ યુવાનો આવતાં જ શિવરાજસિંહ અને તેનો સાગરીત આ ફ્લેટમાં ઘૂસી ગયો હતો. શિવરાજસિંહે ઍપાર્ટમેન્ટના પ્રમુખ બનીને તથા તેના સાગરીતે પોલીસની ઓળખ આપી યુવાનોનું અપહરણ કરી ગોંધી રાખ્યા બાદ બે લાખની ખંડણી વસૂલી હતી. આ ગુનામાં પોલીસે બેને તો ઝડપી લીધા હતા, પરંતુ શિવરાજસિંહવોન્ટેડ હતો. તે સુરતમાં ડિંડોલીના અંજની નંદન ઍપા.માં રહેતો હોવાનું અને પુણાના સણિયા હેમાદ ગામ બસસ્ટેન્ડ પાસે આવનાર હોવાની બાતમી વચ્ચે ઇન્સ્પેક્ટર આર.ઍસ. સુવેરાની સૂચનાથી ટીમે તેને દબોચી લીધો હતો.૨૦૧૭માં પણ તે ઍક ગુનામાં વોન્ટેડ હોવાનું કબૂલ્યું હતું. ૨૦૧૭માં સાવરકુંડલામાં મકાન ખરીદીને લઇને ઍક વ્યક્તિ સાથે માથાકૂટ થતાં તેની ગેરહાજરીમાં આ વ્યક્તિની પત્નીની છેડતી કરી ધમકી આપતાં ગુનો નોંધાયો હતો. ૨૦૧૩માં તેના બનેવીઍ આપઘાત કરતાં પાલિતાણા પોલીસ સ્ટેશનમાં તેની દુષ્પ્રરણાના ગુનામાં ધરપકડ પણ કરાઇ હતી.