કોરોના સંક્રમણના કેસો અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં નોંધાઈ રહ્ના છે. શહેરમાં વધતા કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યાને જોતા હવે કોરોના સંક્રમણની બીજી લહેરની માફક જ શહેરમાં પણ સ્થિતિ વણશે તે પહેલા જ પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોરોના પોઝિટિવ દર્દીઓ માટે આઇસોલેશન સેન્ટર બનાવવા જરૂરી છે. ઘણા એવા પરિવાર છે કે, જેમને આ પ્રકારની સુવિધાની જરૂરિયાત ઊભી થતી હોય છે. કોરોના સંક્રમિત દર્દીઓ અન્ય લોકોને પણ સંક્રમિત કરી શકે તેના માટે અલાયદી વ્યવસ્થા હોય તો સંક્રમણ વધુ ન ફેલાય તેવા આશયથી આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવી રહ્ના છે.
તાજેતરમાં જ સુરત આરોગ્ય વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓ વચ્ચે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોરોના સંક્રમણની બીજી લહેરમાં જેમણે કોવિડ કેર આઇસોલેશન સેન્ટર ઊભા કર્યા હતા. તેમની સાથે ફરી એકવાર બેઠક કરીને જરૂર પડે તો વધુમાં વધુ આઇસોલેશન સેન્ટર ઉભા કરવા માટે માનસિક રીતે તૈયાર રહેવા જણાવ્યું હતું. વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કે, જેમણે ગઈ વખતે કોવિડ કેર આઇસોલેશન સેન્ટર ઉભા કર્યા હતા. તેઓ ફરીથી આઇસોલેશન સેન્ટર ઉભા કરવા માટે તૈયારીઓ શરૂ કરી દે તે પ્રકારની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. અડાજણ વિસ્તારમાં આવેલા દિવાળી બાગ કોમ્યુનિટી હોલ ખાતે જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન અને જૈન શ્વેતામ્બર મૂર્તીપૂજક યુવા સંઘના સહકારથી નીરવ શાહ તથા તેમના સાથી મિત્રો દ્વારા ૧૦૦ બેડનું આઇસોલેશન સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં દર્દીઓને હોસ્પિટલમાં મળતી સુવિધાઓની માફક જ સુવિધા મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કોરોના સંક્રમણ ના બીજી લહેર માં પણ આજ પ્રકારે અહીં આઇસોલેશન સેન્ટર તૈયાર કરવામાં આવ્યું હતું. અમારા સ્વયંસેવકોની ટીમ તમામ વ્યવસ્થા માં લાગી ગઈ છે. અહીં આવનાર દર્દીને કોઇ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેના માટે અમારા પ્રથમ અને બીજા તબક્કાનો જે અનુભવ છે તેના આધારે તૈયારી કરી રહ્ના છે. જૈન સમાજના અગ્રણી નિરવ શાહે જણાવ્યું કે, કોરોના સંક્રમણના પહેલા અને બીજા તબક્કામાં પણ અમારી સંસ્થા દ્વારા કોવિડ કેર આઇસોલેશન સેન્ટર તૈયાર કરાયા હતા. અહીં તમામ પ્રકારની ઓક્સિજન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. કોરોના સંક્રમિત દર્દીના રિપોર્ટ, જરૂર પડે તો ઈંજેક્શન અહીં જ ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે. ડોક્ટરોની એક ટીમ દ્વારા સતત તમામ દર્દીઓની તપાસ કરવામાં આવતી રહેશે. અહીં આયુર્વેદિક અને એલોપેથી તમામ પ્રકારની દવાઓ પણ આપવામાં આવશે. કોર્પોરેશનના અધિકારીઓ અને અમારી ટીમ દ્વારા સંકલન કરીને કોરોના સંક્રમિત દર્દીઓ માટેની વ્યવસ્થા ઊભી કરવા માટેની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. માત્ર અમારા વિસ્તારમાં નહીં પરંતુ, અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ વિવિધ વિસ્તારોમાં કોવિડ કેર આઇસોલેશન સેન્ટર ઉભા કરવામાં આવી રહ્ના છે.