સુરતના ડેપ્યુટી કલેક્ટર આર.આર. બોરડે ઍક ખાનગી ચેનલના કાર્યક્રમમાં ભાજપ સરકારની વાહવાહી કરતાં વિવાદ ઊભો થયો છે. જાહેર મંચ પરથી ડેપ્યુટી કલેક્ટરે સરકારી યોજનાઓને મુદ્દે ભાજપ સરકારની તરફેણ કરતાં કોંગ્રેસી દર્શન નાયકે ગુજરાત તકેદારી આયોગમાં લેખિત ફરિયાદ કરી છે.
સુરતમાં જમીન સુધારણા વિભાગમાં ફરજ બજાવતા ડેપ્યુટી કલેક્ટર આર.આર.બોરડ વિવાદમાં સપડાયા છે. ગત ૮મી જાન્યુઆરીના રોજ કછોલ ખાતે ખાનગી ચેનલનો ઍક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન ઊર્જામંત્રી મુકેશ પટેલ હતા. સરકારની વિવિધ યોજનાથી ગ્રામ્ય વિસ્તારના થયેલા વિકાસના મુદ્દાને કેન્દ્રમાં રાખી યોજાયેલા આ કાર્યક્રમ હાજરડેપ્યુટી કલેક્ટર આર.આર.બોરડે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, સમગ્ર રીતે જોઇઍ તો છેલ્લા ૨૦ વર્ષથી ગુજરાતમાં ભાજપ સરકાર જે કામ કરી રહી છે તે પ્રજાલક્ષી અભિગમ રાખીને વહીવટ કરી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં પ્રજાલક્ષી ખૂબ જ સારા કામ થયા છે. નીચના વર્ગને કામ આવે તેવી ઘણી યોજનાઓ અમલમાં મૂકી છે. જેમાં સેવાસેતુ કાર્યક્રમ તેનું સારુ ઍવું ઉદાહરણ છે. સેવાસેતુમાં વહીવટી તંત્ર અરજદારના દરવાજા સુધી જાય છે. અરજદારોઍ સરકારી કચેરી સુધી આવવું પડતું નથી. આવકના દાખલા, આયુષ્યમાન યોજના, વિધવા સહાયના ફોર્મ ભરવા આવે છે. ડેપ્યુટી કલેક્ટરે જાહેર મંચ પરથી ભાજપની વાહવાહી કરતા કોંગ્રેસી આગેવાન દર્શન નાયકે ગુજરાત તકેદારી આયોગમાં લેખિતમાં ફરિયાદ કરી છે.