સુરત સિટીમાં કોરોનાની ત્રીજી લહેર વચ્ચે વિકટ પરિસ્થિતિમાં ઓરિસ્સાથી ૧૦૦૦ થી વધુ કિલોમીટર દૂરથી ડિસ્ટ્રીક ફૂટબોલ પ્લેયર સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આવ્યો હતો. સિવિલનાં ઓર્થો. ના ડોક્ટરોઍ તેના ઘૂંટણની આધુનિક પદ્ધતિથી સર્જરી કરી હતી.
ઓરિસ્સાના સુંદરગઢમા રહેતો ૨૬ વર્ષીય બીજોયરામ ચંદ્રરામ ત્રણ વર્ષ પહેલા ઓરિસ્સાની ઍક ક્લબ માંથી ફૂટબોલ રમતો હતો અને સાથે પરિવારને મદદરૃપ થવા પ્રાઇવેટ નોકરી પણ કરતો હતો. ફૂટબોલ રમતી વખતે અચાનક તેના જમણા ઘૂંટણમાં લીગામેન્ટ તૂટી ગયા હતા. જેના લીધે તેણે ફૂટબોલ રમવાનું બંધ કરી નાખ્યું હતું. બાદમાં પરિવારનું ભરણપોષણ કરવા માટે સુરત આવ્યો હતો અને તે લિફ્ટમેનનું કામ કરતો હતો. તે ઘૂંટણની સારવાર માટે નવી સિવિલના ઓર્થોપેડીક વિભાગની ઓપીડીમાં આવ્યો હતો. ત્યાં ડોક્ટરે તેને સર્જરી માટે કહયું હતું.દરમિયાન તેને બેંગલોર ખાતે યોગ્ય નોકરી મળી જતા સુરતથી ત્યાં જતો રહયો હતો. બાદમા બેંગલોર ખાતે તેણે માંડ માંડ પૈસા ઍકત્ર કરી રૂપિયા ૮૦ હજારના ખર્ચ કરીને ઘુટણ ની સર્જરી કરાવી હતી. ત્યારબાદ ફરીથી ફૂટબોલ રમતો થયો હતો પણ ઍક વર્ષ પહેલા ફરી તે જ જમણા પગના ઘુંટણમાં ફરી લીગામેન્ટ તૂટી ગયા હતા. પણ તેની પાસે પૈસાની સગવડ ન હોવાથી હાલત કફોડી બની ગઇ હતી. અવા સંજોગોમાં તેના પરિચિતની સલાહથી તે ૧૦ થી ૧૫ દિવસ પહેલા ઓરિસ્સાથી સુરત આવ્યો હતો અને નવી સિવિલમાં ઓર્થોપેડિક વિભાગમાં તેને દાખલ કર્યો હતો. ઓર્થો. વિભાગના વડા ડો. હરી મેનનનાં માર્ગદર્શન હેઠળ ડો. સ્વપ્નિલ નાગલે અને તેમની ટીમે આધુનિક પદ્ધતિથી દુરબીન વડે તેના જમણા ઘૂંટણમાં દોઢથી બે કલાક સુધી સફળ સર્જરી કરી હતી. આ સર્જરીને ઍ.સી.ઍલ ઍન્ડ ઍ.ઍલ.ઍલ રિકન્ટ્રકશન કહેવાય છે. યુવકે ડોકટરને કહયું કે સંપૂર્ણ સ્વસ્થય થઇને ફરી ફુટબોલની પ્રેકટીસ કરીશ. અને ઓરીસ્સા ફુટબોલ ટીમમાં સિલેકશન થાય ઍવી મહેનત કરીશ.