સુરત મહાનગર પાલિકાનું વધુ ઍક કૌભાંડ ખુલ્લું પડ્યું છે. હલકી ગુણવત્તા વાળી પ્રિન્ટેડ વેરાબિલ સ્ટેશનરી ખરીદીને લાખ્ખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. સુરત મહાનગર પાલિકાઍ હલકી ગુણવત્તાવાળી પ્રિન્ટેડ વેરાબિલ સ્ટેશનરી ખરીદી અંગે જાગૃત નાગરિક સંજય ઇઝાવાઍ પાલિકા કમિશનરે ને ફરિયાદ કરી તપાસની માગ કરી હતી. સેક્શન ઓફિસર, ઇન્ફર્મેશન સીસ્ટમસ ડીપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલ તપાસમાં વ્યાપક ગેરરીતિઓ બહાર આવી હતી. ત્રિવેણી કોમ્પ્યુટર ફોર્મસનું રૂ.૩૦ લાખ ૩૦ હજારનું પેમેન્ટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા હોલ્ડ રાખવામાં આવ્યું છે.
સુરત મહાનગર પાલિકામાં કરવામાં આવેલ માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ હેઠળની અરજીના જવાબ રૂપે મળેલ માહિતીમાં સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૧૫થી વર્ષ ૨૦૨૦સુધી પ્રિન્ટેડ વેરાબિલ સ્ટેશનરી ખરીદવામાં કરેલ ગેરરીતિઓ અને મિલીભગત સ્પષ્ટ બહાર આવી હતી. ટેન્ડર શરત મુજબ ૮૦ જીઍસઍમ ગુણવત્તા ધરાવતું સફેદ પ્રિન્ટેડ પેપર વેરાબિલ પેટે ટેન્ડર બહાર પાડી માગવવામાં આવેલ હતું. જે માટે વેરાબિલ સપ્લાય કરતા પહેલાં પપેરની ગુણવત્તા અંગે ચકાસણી કરાવી લેબ રિપોર્ટ પણ રજૂ કરવાનો હોય છે. જે મુજબ ઍજન્સી દ્વારા મહાનગર પાલિકામાં રજૂ કરવામાં આવેલ ટેસ્ટ રિપોર્ટ મુજબ પેપર ૮૦.૨ અને ૮૦.૧ જીઍસઍમ ગુણવત્તા ધરાવે છે.ત્રિવેણી કોમ્પ્યુટર ફોર્મસ દ્વારા સપ્લાય કરવામાં આવેલ અને મહાનગર પાલિકા દ્વારા સુરતના રહીશોને પાઠવવામાં આવેલ વેરાબિલની હલકી ગુણવત્તા અંગે શંકા થયા પછી આર.ટી.આઈ ઍક્ટીવીસ્ટ દ્વારા અલગ અલગ ઝોન વિસ્તારના અલગ અલગ વર્ષના વેરાબિલ સુરત સ્થિત લેબમાં મોકલી પેપરની ગુણવત્તા અંગે ચકાસણી કરાવી હતી. કોઈ પણ વેરા બીલ ૮૦ જીઍસઍમ ગુણવત્તા ધરાવતું જોવા મળેલ નથી. વેરાબીલની ગુણવત્તા મહાનગરપાલિકા દ્વારા માગેલ ગુણવત્તા કરતા ૪.૨૫ ટકા થી લઈને ૨૮.૭૫ ટકા જેટલી ઓછી જણાઈ આવેલ છે. આ અંગે તારીખ ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ કમિશનર,સુરત મહાનગર પાલિકા અને ડિરેક્ટર, લાંચરુશ્વત વિરોધી બ્યુરોમાં ફરિયાદ કરીને પ્રિન્ટેડ વેરાબિલ સપ્લાયમાં થયેલ ભ્રષ્ટાચાર અંગે તપાસની માગણી કરવામાં આવેલ હતી.