વરાછામાં ખાનગી બસમાં લાગેલી આગમાં ઍક મહિલા બળીને ભડથું થઇ ગઇ હતી. જ્યારે વિશાલ નાવલાણી નામનો યુવક દાઝી જતા સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મૃતક મહિલા વિશાલની પત્ની તાન્યા હોવાની સંભાવના ફાયર વિભાગે વ્યક્ત કરી હતી.
સ્મીમેર હોસ્પિટલમાં દાખલ ઇજાગ્રસ્ત વિશાલ નારાયણ નાવલાણી પત્ની તાન્યાની બૂમો પાડી રહ્ના હતો. પત્નીને પોકારી રહ્ના હતો. મોડી રાતે વિશાલના સંબંધીઓ સ્મીમેર હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. વિશાલ ભાવનગરનો રહીશ હોવાની પ્રાથમિક જાણકારી મળી છે. થોડા દિવસો પહેલા વિશાલ પત્ની તાન્યા સાથે ગોવા ફરવા ગયો હતો. બન્ને ગોવા ફરીને પર સુરત આવ્યા હતાં. સુરતમાં સંબંધીના ઘરે રોકાયા હતાં. સંબંધીના ઘરે રોકાઇને મંગળવારે સાંજે ભાવનગર પરત જવા માટે બસમાં નીકળ્યા હતાં. પરંતુ, બસમાં હીરાબાગ પાસે આગ લાગી હતી. સમગ્ર ઘટનામાં ઍડિશનલ ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું કે ઇજાગ્રસ્ત વિશાલની પત્ની તાન્યાની કોઇ ભાળ મળી નથી. મૃતક મહિલા તાન્યા હોવાની સંભાવના છે. જોકે આ અંગે કોઇ સત્તાવાર સમર્થન મળ્યું નથી. સ્મીમેર હોસ્પિટલમાં મેયર હેમાલી બોઘાવાલા સહિતના આગેવાનો દોડી ગયાં હતાં.