મંગળવારે રાત્રે વરાછાના હીરાબાગ પાસે મુસાફરો ભરેલી લકઝરી બસ અચાનક ભડભડ સળગવા લાગતા અફરાતફરી સાથે ગભરાટ ફેલાઇ ગયો હતો. ચાલુ બસે ઍસીના કોમ્પ્રેશરમાં શોટસર્કિટ બાદ ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો અને જોતજોતામાં આગે આખી બસને લપેટમાં લઇ લીધી હતા. આ ઘટનામાં ઍક મુસાફર મહિલા આગમાં ભડર્યું થઇ ગઇ હતી અને ચાર અન્ય મુસાફરો દાઝી ગયા હોવાની પણ વાત છે. પોલીસ અને ફાયર બિગેડની ટીમે સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. વરાછામાં ર્બનિંગ બસની હકીકત જાણી સમગ્ર શહેરમાં સનસનાટી સાથે અરેરાટી વ્યાપી ગઈ હતી.
વરાછા મેઈનરોડ ઉપર આવેલા હીરાબાગ સર્કલ પાસે રાત્રે પોણા દસ વાગ્યાના અરસામાં ઍક લકઝરી બસ અચાનક સળગવા લાગી હતી. મુસાફરો ભરેલી બસ અચાનક ભડભડ સળગવા વાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ હતી. લોકો પણ ગભરાટના માર્યા સ્થળ પર દોડી ગયા હતા. બનાવ અંગે જાણ થતા જ ફાયર બ્રિગેડ તેમજ વરાછા અને કાપોદ્રા પોલીસનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો.ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા તો પોલીસે લોકોની મદદથી મુસાફરોને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જોકે, ત્યાં સુધીમાં ઍક મહિલા આગમાં ભડથું થઇ હતી. બસમાં લાગેલી આગમાં સળગી જતા મહિલાનું મોત થયું હતુ. મહિલાની સળગી ગયેલી લાશ જોઈ ઍરેરાટી વ્યાપી ગઇ હતી. વધુમાં આ ઘટનામાં વિશાલ નારણ નાવલાણી સહિત ૩ મુસાફરો દાઝી ગયા છે, જેઓને સારવારાર્થે સ્મીમેર ખસેડાયા હતા.પ્રાથમિક તપાસમાં લકઝરી બસ રાજસ્થાન ટ્રાવેલર્સની હોવાનું અને સિંગણપોરથી ભાવનગર જતી હોવાનું જાણવા મળ્યું હતુ. બસના ઍસીના કોમ્પ્રેશરમાં શોટસર્કિટ થયો હતો અને બાદમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ ભડકી ઉઠી હતી. બસમાં કેટલાં મુસાફરો હતા તે હજુ જાણી શકાયું ન હતુ. લાકારોની ઍકાદ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. જોકે, ત્યાં સુધીમાં બસ આગમાં ખાક થઇ ગઇ હતી. આ ઘટનામાં ભાવેશ બુધેલીયાઍ જણાવ્યુ કે, હું હિરાબાગ સર્કલથી પસાર થઇ રહયો હતો ત્યારે બસમાથી અચાનક ધુમાડો નીકળતો હતો. થોડીવારમાં આખી બસમાં આગની જ્વાળા ફેલાઇ હતી. પેસેન્જરો બસમાંથી કુદી રહયા હતાં. ઍક પુરૂષ લોહીલુહાણ હાલતમાં બસમાંથી કુઘો હતો. આગની જ્વાળા વચ્ચે ફસાયેલી મહિલાને બારીમાંથી કુદવા માટે બુમો પાડી રહી હતી, પરંતુ, તે બારીમાંથી કુદે પહેલા મોત તેને આંબી ગયુ હતું.