ઔદ્યોગિક નગરી ગણાતા વાપી જીઆઇડીસી માં હાલ ઉદ્યોગોને ફાળવી શકાય તેવી જમીન બચી નથી. ત્યારે વર્ષો પહેલા જીઆઇડીસી એ જમીન ફળવ્યા બાદ એ જમીન પર ઝાડ રોપી જંગલ ઉભું કર્યું અને હવે એ જ જંગલનો સફાયો કરી કરોડોની જમીન નજીવી કિંમતે મેળવી એક જ ઉદ્યોગપતિએ કરોડોનો સીધો જ ફાયદો મેળવી લીધો છે.
આ સમગ્ર કારસ્તાન અંગે વિગતે વાત કરીએ તો 2004ની ઘટનાને 2022થી રિવર્સ સ્વરૂપે લઈ જવી પડે તેમ છે. કેમ કે તો જ 18 વર્ષમાં સરકારે, અને સરકારી અધિકારીઓ,જીઆઇડીસી -નોટિફાઇડના અધિકારીઓએ એક ઉદ્યોગપતિને ફાયદો કરાવવા રાજકીય નેતાઓની કઠપૂતળી બની કઈ રીતે આખો ખેલ પાડ્યો તે સમજી શકાય તેમ છે. વર્ષ 2022માં વાપીમાં દમણગંગા નદી કિનારે 216 એકરની કરોડોની કિંમતની જમીનમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનવાનો છે. જે માટે વાપી જીઆઇડીસી કચેરી મારફતે વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં વાપીની ખાનગી કંપનીએ 5000 કરોડના એમ ઓ યુ કર્યા છે. નવાઈની વાત એ છે કે આ એમ ઓ યુ કરનાર હાલની કંપની અને 2004માં આ જમીન જીઆઇડીસી પાસેથી મેળવનાર કંપની એક છે. પરંતુ નામમાં ફેરફાર કરી આ આખો ખેલ ખેલી નાખ્યો છે.