કમર્શિયલ શોપિંગ સેન્ટરની ઍનઓસી રિન્યુ કરવા ૩૦ હજારની લાંચ માંગતા મોટા વરાછાના ફાયર ઓફિસર બી. કે. સોલંકી અને તેના ટાઉટને ઍ.સી.બી.ઍ છટકું ગોઠવી ઝડપી લીધા હતા.
મોટા વરાછા તુલસી આર્કેડમાં ખોડલ ચા ઍન્ડ કોફી શોપ પાસે આ ટ્રેપ ગોઠવાઇ હતી. મોટા વરાછા વિસ્તારમાં આવેલા શોપિંગ સેન્ટરની ઍનઓસી રિન્યુ કરવા માટે મોટા વરાછા ફાયર સ્ટેશનમાં અરજી કરાઇ હતી. આ ઍનઓસી રિન્યુ કરવા માટે ફાયર ઓફિસર બેચર કરજણ સોલંકી લાંચની માંગણી કરી રહયા હતા. ૩૦ હજાર રૂપિયા આપે તો જ ઍનઓસી આપવા અડી ગયેલાં આ ફાયર ઓફિસર કોઇ પણ રીતે માનતા નહિ હોઇ ફરિયાદીઍ ઍ.સી.બી.ના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ઉપર ફોન કરી ફરિયાદ નોંધાવી હતી. સુરત ઍસીબીના ઇન્સપેક્ટર ઍસ.ઍન. દેસાઇઍ આ મામલે ગુનો નોંધી હતી. આ ફાયર ઓફિસરનો સંપર્ક કરવામાં આવતાં તેણે પોતાના પરિચીત સચીન અરજણ ગોહિલને આ રૂપિયા આપી દેવા માટે કહયું હતું. જે અંગે ફોન ઉપર વાતચીત કર્યા બાદ સચીને લાંચના રૂપિયા લઇ ફરિયાદીને ખોડલ ચા ઍન્ડ કોફી શોપ ઉપર બોલાવ્યા હતા. સચીને નાણાં સ્વીકાર્યા તે સાથે જ ઍ.સી.બી.ની ટીમ પ્રગટ થઇ હતી અને સચીનને ઝડપી લીધો હતો. સચીને પણ પોપટની જેમ ગુનો કબુલી લીધો હતો અને તેણે ફાયર ઓફિસરના કહેવાથી નાણાં સ્વીકાર્યાનું જણાવતાં ઍ.સી.બી.ઍ આ ફાયર ઓફિસરને પણ ઝડપી લીધો હતો. ફાયર ઓફિસર કક્ષાનો અધિકારી ૩૦ હજારના છટકામાં ભેરવાતા મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો.