અમરોલી રજવાડી પ્લોટની સામે સ્ટાર રેસિડેન્સીમાં રહેતા સાડી વેપારીના બંધ ઘરનું લોક માથામાં નાંખવાની પીનથી ખોલી તસ્કરો વેપારી અને તેમના પુત્રના બેડરૂમની તિજોરીમાંથી દાગીના-રોકડ મળી રૂ. ૨૭.૨૧ લાખની મત્તા ચોરી ફરાર થઈ ગયા હતા.
મૂળ દેવભુમી દ્રારકાના ભાણવદના મોણપર ગામના વતની અને સુરતમાં અમરોલી રજવાડી પ્લોટની પાસે સ્ટાર રેસિડન્સી ઘર નં.જી-૩૦૨ માં પત્ની કાલીંદીબેન, પુત્ર નિકુંજ અને પુત્રવધુ મોનીકા સાથે રહેતા ૫૩ વર્ષીય કરશનભાઇ લક્ષ્મીદાસ કોટેચા અમરોલી અર્જુનનગર સોસાયટીમાં તરંગ સાડી સેન્ટર એન્ડ મેચીંગના નામે સાડીની દુકાન ધરાવે છે. દુકાન એકલા જ સંભાળતા કરશનભાઈનો પુત્ર અને પુત્રવધુ ગત ૨૬ મી ના રોજ ગોવા ફરવા ગયા હોય ગત ૨૭મી ની બપોરે જમ્યા બાદ સાંજે ચાર વાગ્યે કરશનભાઈ સાથે તેમના પત્ની કાલીંદીબેન પણ દુકાને આવ્યા હતા. બંને રાત્રે નવ વાગ્યે ઘરે પહોંચ્યા ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો અને લોકમાં માથામાં નાંખવાની એક પીન અંદર હતી. જયારે બે ત્રણ પીન નીચે પડેલી હતી. કરશનભાઈ અને તેમના પત્નીએ પોતાના અને પુત્રના બેડરૂમમાં તપાસ કરી તો બંને બેડરૂમમાં તિજોરી અને લોકર ખુલ્લા હતા. તસ્કરો બંને બેડરૂમની તિજોરીના લોકરમાંથી રૂ. ૨૧,૩૬,૩૨૨ ની મત્તાના સોનાચાંદીના દાગીના અને પુત્રના લગ્ન સમયે ભેગા થયેલા અને ધંધાના રોકડા રૂ. ૫.૮૫ લાખ મળી કુલ રૂ.૨૭,૨૧,૩૨૨ ની મત્તા ચોરી ફરાર થઈ ગયા હતા. ચોરીની ઘટના અંગે કરશનભાઈએ ગતરોજ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.