
પાલિકા વહીવટી ભવન, ઝોન કચેરી તેમજ બાગ-બગીચા, બીઆરટીએસ બસ શેલ્ટર, કોમ્યુનીટી હોલ સહિતની પાલિકા મિલકતોમાં સલામતી અને જાળવણી માટે ખાનગી સુરક્ષા જવાનો ફાળવવા માટે સિક્યુરિટી એજન્સીઓને ટેન્ડર સોંપવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. આ પ્રક્રિયામાં સામેલ ૨૧ ઇજારદારો પૈકી ક્વોલિફાઇ રહેલી ૧૦ એજન્સીએ સિક્યોરીટી સુપરવાઇઝર, ગનમેન અને ગાર્ડ મળી કુલ ૧૯૩૨ જગ્યા માટેના માસિક ભાવની સાથે ટેન્ડરમાં સર્વિસ ટેક્સ પણ એકસરખો ભર્યો હોવાનું ધ્યાને લેવાયું છે.
તમામ ઝોનમાં સિક્યુરિટી એજન્સીઓની નિયુક્તિ કરવાની દરખાસ્ત પર આગામી ગુરૂવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે.પાલિકાના વોચ એન્ડ વોર્ડ વિભાગ દ્વારા પાલિકાની મિલકતોમાં સિક્યુરિટી સ્ટાફ ફાળવવા માટે ઓફર મંગાવાઇ હતી. પાલિકા મુખ્યાલય સહિત તમામ ઝોનમાં અને બીઆરટીએસના શેલ્ટરો પર આગામી ૧ વર્ષ માટે સિક્યુરિટી સ્ટાફ ફાળવવાના અંદાજે ૩૦ કરોડ રૂપિયા છે.જો કામગીરી સંતોષકારક જણાશે તો વધુ ૨ વર્ષ માટે મુદ્દત લંબાવવા એટલે ૩ વર્ષ માટે ૯૦ કરોડ રૂપિયાના કામ માટે કુલ ૨૧ એજન્સીએ બીડ ભરી હતી. જોકે તેમાંથી ૧૦ સિક્યુરિટી એજન્સી ક્વોલિફાઇ થઇ હતી. વિવિધ ઝોનમાં કુલ ૬૫ સિક્યુરિટી સુપરવાઇઝર, ૧૮ ગનમેન અને ૧૮૪૯ સિક્યુરિટી ગાર્ડ મળી કુલ ૧૯૩૨ જગ્યા માટે ૧૦ એજન્સીએ મીનીમમ વેજીસ મુજબ માસિક ભાવ મહદઅંશે એકસમાન હોય તેમ લાગે છે. સર્વિસ ચાર્જ તો તમામ એજન્સીઓએ એકસરખો ૧ ટકા જ રાખ્યો છે. જે અંગે લોએસ્ટ ભાવના આધારે કામની સોંપણી કરવા માટેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજુ કરાઇ છે. એકસમાન ભાવ રજુ થતા પાલિકાનો વોચ એન્ડ વોર્ડ વિભાગ પણ અચરજમાં મુકાયો હતો. જોકે આ અંગે આગામી ગુરૂવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે.