નવસારી શહેરમાં નિર્માણાધીન રસ્તામાં ડામર વગર રસ્તો બનાવવામાં આવી રહ્યો હોવાની ફરિયાદ ઉઠતા નવસારી-વિજલપોર નગરપાલિકાના પ્રમુખે સ્થળ તપાસ કરી હતી. જેમાં રસ્તામાં ડામર નામ માત્ર જણાતા, રસ્તાનું કામ તાત્કાલિક અટકાવી કોન્ટ્રાક્ટરને બ્લેકલીસ્ટ કરવાની કાર્યવાહી આરંભી દેવામાં આવી છે.
નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા હાલમાં શહેરમાં અલગ-અલગ જગ્યાઓએ કરોડો રૂપિયાના રસ્તાઓ મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં મહેન્દ્ર પટેલ કંપનીને શહેરમાં છ થી સાત રસ્તાનું કામ મળ્યું હતુ. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તો બનાવવામાં હલકી ગુણવત્તાના મટિરિયલનો ઉપયોગ કરવા સાથે યોગ્ય પ્રમાણમાં ડામરનો પણ ઉપયોગ ન કરાયો હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. નવસારી-વિજલપોર નગરપાલિકાના પ્રમુખ જીગ્નેશ શાહના વોર્ડ નં. 7 તેમના ઘર નજીક જ આશા નગરમાં પાછળના ભાગનો રસ્તો બની રહ્યો હતો. જેમાં નહિવત પ્રમાણમાં ડામરનો ઉપયોગ કરી કોન્ટ્રાક્ટર રસ્તો બનાવી રહ્યો હતો, જેની ફરિયાદ મળતા પાલિકા પ્રમુખ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પગ મારી રસ્તો ચકાસતા કપચી નીકળી ગઈ અને ખાડો પડ્યો હતો અને જેમાં ડામર નામ માત્રનો જણાયો હતો. જેથી પાલિકા પ્રમુખે બાંધકામ સમિતિના ચેરમેન જગદીશ મોદી ઘટના સ્થળે બોલાવ્યા હતા. ત્યારબાદ કોન્ટ્રાક્ટર અને તેના સુપરવાઇઝરને પણ બોલાવ્યા હતા અને સ્થળ પર જ પાલિકા પ્રમુખ અને બાંધકામ ચેરમેને રસ્તાની કામગીરી મુદ્દે સુપરવાઇઝરને તતડાવી કામ તાત્કાલિક ધોરણે બંધ કરાવી દીધું હતુ. સાથે જ અગાઉની ફરિયાદોને ધ્યાનમાં લેતા મહેન્દ્ર પટેલ કંપનીના ટેન્ડર રદ્દ કરી કોન્ટ્રાક્ટરને બ્લેકલીસ્ટ કરવાની તૈયારી આરંભી છે.