
સુરતના પુણાગામ વિસ્તારમાં શનિવારે મોડીરાત્રે મોબાઈલ શોપના માલિક અને મિત્ર દુકાનનું શટર બંધ કરી હિસાબ કરતા હતા ત્યારે શટર ઊંચું કરી અંદર આવેલા ત્રણ લૂંટારું પાઈપ અને તમંચા બતાવી રૂ.૩૦ હજાર લૂંટી ફરાર થઈ ગયા હતા. જોકે, રોકડ લૂંટીને ભાગતી વેળા તેમની બાઈક સ્લીપ થતા તેઓ બાઈક મૂકી ભાગી જતા પોલીસે બાઈક કબજે કરી તપાસ હાથ ધરી છે.
મૂળ ઉત્તરપ્રદેશના ઈટાવાનો વતની અને સુરતમાં પુણાગામ વલ્લભનગર સોસાયટી ઘર નં.૧૧૩ માં રહેતો ૨૪ વર્ષીય રાહુલ પુરણભાઇ બઘેલ વલ્લભનગર પાસે શિવાજીનગર સોસાયટી દુકાન નં.૪૧ માં જયમાં શિતલા નામની મોબાઈલની દુકાનમાં મોબાઈલ ફોન વેચાણ,રીપેરીંગ, રિચાર્જ ઉપરાંત મની ટ્રાન્સફરનું કામ કરે છે. ગત શનિવારે રાત્રે તેની બાજુમાં રહેતો મિત્ર અજય પટેલ દુકાને આવતા બંને મિત્રો ૧૦ વાગ્યે દુકાનનું શટર પાડી બહારની લાઈટ બંધ કરી હિસાબ કરતા હતા ત્યારે ૧૦.૪૫ કલાકે શટર ખોલી મોઢા પર માસ્ક અને મફલર પહેરેલા ૨૫ થી ૩૦ વર્ષના ત્રણ અજાણ્યા અંદર આવ્યા હતા. તે પૈકી ઍકના હાથમાં લોખંડનો પાઈપ હતો. જયારે બાકીના બે પાસે તમંચો હતો. ઍકે પાઈપ બતાવી જયારે બાકીના બંનેઍ રાહુલ અને અજય તરફ તમંચા તાકી ધમકી અને ગાળો આપતા કહ્નાં હતું કે જીતના પૈસા હૈ ઉતના દે દો.આથી બંનેઍ ગભરાઈને કેશ કાઉન્ટરમાં મુકેલા રૂ.૩૦હજાર કાઉન્ટર પર મુકતા તે રકમ લૂંટી લઈ જાનથી મારી નાંખવાની ધમકી આપી કાઉન્ટરના બીજા ડ્રોઅર પણ ખોલી ચેક કર્યા હતા. પણ તેમાં પૈસા નહીં મળતા તેઓ શટર ઊંચું કરી બહાર ભાગ્ય હતા. રાહુલ અને અજય તેમની પાછળ બહાર નીકળતા તેઓ જે બાઈક પર ભાગતા હતા તે સ્લીપ થઈ ગઈ હતી.આથી તેઓ બાઈક ત્યાં જ છોડી ભાગી છૂટયા હતા. ઍમઍચ-૧૩-બીબી-૨૯૯૭ નંબરની બાઈક લેવા તેઓ પાછા આવશે તેમ વિચારી રાહુલ અને અજયે તે સમયે પોલીસ ફરિયાદ કરી નહોતી.જોકે, તેઓ નહીં આવતા છેવટે ગતરોજ પુણા પોલીસ મથકમાં લૂંટની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બાઈકના નંબર અને દુકાનના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.