
અઠવાગેટ મહાવીર હોસ્પિટલ પાસે રોડ પર જઈ રહેલી એક કારમાં અચાનક આગ લાગી હતી. જો કે એક વિદ્યાર્થીની મદદથી કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો.ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગના જવાનો પણ તાત્કાલિક દોડી આવ્યા હતાં.સળગતી કાર પણ પાણીનો મારો ચલાવીને આગ કાબુમાં લીધી હતી. આગને કારણે ગાડી બળીને ખાક થઇ ગઇ હતી.
અઠવાગેટ મહાવીર હોસ્પિટલ પાસે રોડ પર જઈ રહેલી એક કારમાં અચાનક આગ લાગી હતી. સરદારબ્રીજ ઉતરતા જ મહાવીર હોસ્પિટલ પાસે એક બાઈક ચાલકે બુમાબુમ કરીને કાર ઉભી રાખવા જણાવ્યું હતું. ચાલક કારમાંથી નીચે ઉતરતાં જ ધુમાડા સાથે આગ લાગી હતી. ડિકી ખોલીને તાત્કાલિક ગેસ સપ્લાય બંધ કરી દીધો હતો. ત્યાર બાદ ફાયરને જાણ કરતાં ફાયરના જવાનો તાત્કાલિક દોડી આવ્યાં હતાં. કારમાં લાગેલી આગને ફાયરે કાબુમાં લીધી હતી.કાર ચાલકને બચાવનાર વિદ્યાર્થી મીત પ્રજાપ્રતિએ જણાવ્યું કે, તે ગાંધી કોલેજમાં ડિપ્લોમાના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. બ્રિજ પરથી એક કાર ધુમાડા અને આગની જ્વાળા સાથે દોડતી જોઈ ચોંકી ગયો હતો. સળગતી કારમાં ડ્રાઈવર કાકાને જોઈ બુમાબુમ કરી હતી. પરંતુ કાકાને અમારી બુમ નહીં સંભળાતા એક બાઈક ચાલક સાંભળી ગયો અને તેમણે તાત્કાલિક કારની આગળ જઈ બાઈક ઉભું કરીને ડ્રાઈવર કાકાને ઘટનાથી માહિતગાર કર્યાં હતાં. આ સમયે અમે પણ ત્યાં પહોંચીને મદદમાં લાગી ગયાં હતાં.કારના ચાલક આઈ.પી. લાકડાવાલાએ જણાવ્યું હતું તેઓ પાલિકાના વર્કશોપના નિવૃત્ત કર્મચારી છે. હું રાંદેરથી મજુરાગેટ થઈને કાપડિયા હેલ્થ ક્લબ જઈ રહયો હતો.