
આમ આદમી પાર્ટીમાંથી પક્ષપલટો કરી ભાજપમાં જોડાયેલા ૫ નગરસેવકોના સભ્ય પદ રદ કરવાની માંગણી સાથે આપના નગરસેવકો મ્યુ.કમિશનર હાજર ન હોવાથી ડેપ્યુટી કમિશનર ઉપાધ્યાયને રજૂઆત કરવા ગયા હતા. જો કે આપના ૨૨ પૈકી રજૂઆતના સમયે માત્ર ૧૪ જ નગરસેવકો હાજર રહ્ના હતા. ૮ સભ્યો ન દેખાતા તરેહ તરેહની ચર્ચાઍ જોર પકડ્યું હતું. કારણ કે, છેલ્લા કેટલાક દિવસોથી ત્રણથી ચાર નગરસેવકો ભાજપના સંપર્કમાં હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી.
આપના નગરસેવકોઍ રજૂઆત કરી છે કે, આમ આદમી પાર્ટી સાથે ગદ્દારી કરીને ૫ નગરસેવકોઍ ભાજપનો ખેસ ધારણ કરી જનતાના મત સાથે વિશ્વાસઘાત અને મતોનું અપમાન કર્યું છે. આ પાંચેય સભ્યોનું ૧૯૬૬ના કાયદા મુજબ જનપ્રતિનિધિનું સભ્ય પદ રદ કરવાની માંગણી કરી હતી. વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીઍ જણાવ્યું કે, સભ્ય પદ રદ કરી આ વિસ્તારના લોકોને ન્યાય આપવામાં આવે. ફરીથી ચૂંટણી થાય તો નવા જનપ્રતિનિધિઓ ચૂંટાઇ શકે તે માંગણી કરી હતી. ડેપ્યુટી કમિશનર ઉપાધ્યાયે જણાવ્યું કે, કાયદા પ્રમાણે જે થશે તે કાર્યવાહી કરાશે.રજૂઆત દરમ્યાન ગેરહાજર રહેલા સભ્યો કેમ ન આવ્યા હતા ઍ સંદર્ભે વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીઍ જણાવ્યું કે, ગેરહાજર રહેલામાં કનુ ગેડિયા સગા-સંબંધીનું મરણ થયેલ હોવાથી વતન ગયા છે. મહેશ અણધડ આધાર કાર્ડ કેમ્પમાં, મોનાલી અને રચના હીરપરા પરિવારના સ્નેહમિલનમાં, સ્વાતિ ક્યારા કોર્ટમાં, કિશોર રૂપારેલીયા આવ્યા હતા પણ લગ્ન પ્રસંગમાં જવાના હોવાથી વહેલા જતા રહયા હતા. જ્યારે ઘનશ્યામ મકવાણા ગાડી બગડી ગઇ હોવાથી અને રાજેશ મોરડિયા લગ્નપ્રસંગમાં હોવાથી હાજર રહયા ન હતા.