
નવી સિવિલ હોસ્પિટલમાં ખાનગી ઍમ્બ્યુલન્સ અને શબવાહિનીના નામે ચાલી રહેલી ઉઘાડી લૂંટ લોહિયાળ બની છે. આ ઘટના પછી કોઈનું મૃત્યુ થાય અને શબને બહારગામ લઈ જવા માગતા પરિવારજનો માટે પાલિકા આગળ આવી છે. શહેર બહાર શબવાહિની મોકલવા માટે પ્રતિ કિલોમીટર નવ રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું છે.
સ્થાયી સમિતિઍ મંજૂર કરેલા બજેટમાં વધુ ઍક વિશેષ નિર્ણય લેવાયો છે. જે અંગે અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું કે, ઘણી વખત સુરત શહેરમાં સ્વજનનું મૃત્યુ થયું હોય તેવા સંજોગોમાં અનેક પરિવારો મૃતદેહ વતન લઇ જઇ ત્યાં અંતિમક્રિયા કરવાની ઇચ્છા ધરાવે છે. આવા પરિવારજનોના દુઃખમાં સહભાગી થવા સાથે તેમને આર્થિક સધિયારો પણ મળી રહે તે માટે બજેટમાં રૂપિયા ૨૫ લાખની નાણાકીય જોગવાઇ કરવામાં આવી છે.પરપ્રાંતીય માટે તેમના સ્વજનના દુઃખદ અવસાન સમયે મૃતદેહને સુરક્ષિત રીતે વતન લઇ જવા માટે પાલિકા દ્વારા શબવાહિનીની સુવિધા પૂરી પાડશે. આ માટે પ્રતિ કિલોમીટર નવ રૂપિયાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. જેથી પરપ્રાંતીય નાગરિકો સાથે શખવાહિનીના નામે થઇ રહેલી ઉઘાડી લૂંટ બંધ થશે. તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં સરકારી દરે ઍમ્બાલગિંગની સુવિધા ઊભી કરવામાં આવી છે. ત્રણ ચાર દિવસ શબ દુર્ગંધ વિના યથાવત્ સ્થિતિમા જાળવી રાખવા માટે થતી ઍમ્બાલગિંગની પ્રક્રિયા (મૃતદેહને ઇન્જેક્શન મકવું ) ખર્ચાળ હોય સાધારણ આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારજનો તેનો લાભ લઇ શકતા નથી. પાલિકાઍ સ્મીમેર હોસ્પિટલમાં માત્ર ૧૦૦૦ રૂપિયાના ખર્ચે ઍમ્બાલગિંગ શરૂ કર્યું છે. આ માટે આરોગ્ય વિભાગ દ્વારા ૯૭૨૭૭૪૦૯૩૦ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.