મોઢેરાનાં શ્રી મોઢેશ્વરી મા વર્ષો પહેલા મોગલ સામ્રાજ્ય વખતે શ્રી મોઢેશ્વરી માતાજીની મૂર્તિને વિધર્મીઓ ખંડિત ન કરે તે માટે તેને વાવમાં સંતાડી દીધી હતી જે આજે ‘ધર્મવાવ’ નામે જાણીતી છે. મંદિરસંકુલમાં શ્રી મોઢેશ્વરી મૈયાના નિજસ્થાનક ઉપરાંત શ્રી ભટ્ટારિકાદેવી, શ્રી કૃષ્ણમંદિર, શ્રી શિવજીનાં દેવસ્થાનક દર્શનીય છે. આ વરસે સુરતમાં ભાગળ વિસ્તારમાં આવેલા શ્રી મોઢેશ્વરી (માતંગી) મંદિર ખાતે માતાજીનો ૨૧મો પાટોત્સવ ૧૪ ફેબ્રુઆરીના રોજ ધામધૂમપૂર્વક ઊજવવામાં આવશે.
મોઢેરા સ્થિત શ્રી મોઢેશ્વરી(માતંગી) માતાજીના દેવસ્થાનમાં સંવત ૧૯૬૬ના મહા સુદ ૧૩ના દિવસે હાલની દર્શનીય પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી. ત્યારથી દર વર્ષે મહા સુદ ૧૩ના રોજ મોઢેશ્વરી માતાનો પ્રાગટ્યોત્સવ(પાટોત્સવ)ઊજવવામાં આવે છે. પાટોત્સવના માંગલિક દિવસે માતાજીની કેસરસ્નાનથી પૂજા-અર્ચના થાય છે. અન્નકૂટ ભરવામાં આવે છે. નવચંડી યજ્ઞ થાય છે. માતાજીની પાલખી મોઢેરા ગામમાં પરિક્રમાઍ નીકળે છે. આ દિવસે હજારો શ્રદ્ધાળુ દર્શને ઊમટી પડે છે. મોઢેશ્વરી મૈયાનું સ્વરૂપ સિંહ પર સવાર ધનુષબાણ, ખડગ, ખડક, કુહાડી, ગદા, સર્પ, પરીઘ, શંખ, ઘટ, પાશ, કટાર, છરી, ત્રિશૂલ, મધપાત્ર, અક્ષમાળા, શક્તિ, તોમર, મધકુંભ વગેરે અઢાર હાથમાં ધારણ કરનારી, કડાં તેમજ બાજુબંધ પહેરનારી, શ્રી મોઢેશ્વરી માતાજીનું પાવનકારી મૂર્તિ સ્વરૂપ આજે પણ મોઢેરાની ધરતીને અજવાળી રહયું છે.સૂર્યમંદિરનાં શિલ્પ-સ્થાપત્યને લીધે દેશ-વિદેશમાં જાણીતું મોઢેરા શ્રીમોઢેશ્વરી માતાજીની પાવન ઉપસ્થિતિને કારણે સવિશેષ પ્રચલિત બન્યું છે. જે મોઢ બ્રાહ્મણો, મોઢ વણિક, મોઢ મોદી અને મોઢ પટેલની કુળદેવી છે. શ્રી મોઢેશ્વરી માતાજીની ઉત્પત્તિ ધર્મારણ્ય(મોઢેરાની આસપાસનો વિસ્તાર)ની મુખ્ય અધિષ્ઠાત્રી મોઢેશ્વરી માતાજીની ઉત્પત્તિકથા જાણવા જેવી છે. આ ક્ષેત્રમાં કર્ણાટ નામના દૈત્યનો મહાત્રાસ હતો. તેનાથી ત્રાસીને અહીંના વિપ્રો અને વણિકોઍ માતાજી સન્મુખ સ્તુતિ કરી. શ્રી માતાજીઍ તેમને દૈત્યના ત્રાસમાંથી મુક્તિ અપાવવાનું વચન આપ્યું. માતાજીઍ પોતાનું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. મુખમાંથી અગનજવાળા પ્રગટવા લાગી. નેત્રો લાલઘૂમ થઇ ગયાં. માતાજીની અઢાર ભુજાઓમાં જુદાંજુદાં અસ્ત્ર-શસ્ત્ર હતાં. શ્રી મૈયા અને દૈત્ય વચ્ચે ભયંકર યુદ્ધ ખેલાયું. છેવટે માતાજીઍ દુષ્ટ કર્ણાટ અને તેના સૈન્યનો વિનાશ કર્યો.દૈત્યના ત્રાસમાંથી મુક્ત બનેલા સૌ કોઇઍ વિજયોત્સવ મનાવ્યો. ત્યારથી શ્રી મોઢેશ્વરી દેવી સમગ્ર મોઢ સમાજના કુળદેવી તરીકે પૂજનીય છે. મોગલ સામ્રાજ્ય વખતે શ્રી મોઢેશ્વરી માતાજીની મૂર્તિને વિધર્મીઓ ખંડિત ન કરે તે માટે તેને વાવમાં સંતાડી દીધી હતી જે આજે ‘ધર્મવાવ’ નામે જાણીતી છે. મંદિરસંકુલમાં શ્રી મોઢેશ્વરી મૈયાના નિજસ્થાનક ઉપરાંત શ્રી ભટ્ટારિકાદેવી, શ્રી કૃષ્ણમંદિર, શ્રી શિવજીનાં દેવસ્થાનક દર્શનીય છે. આ વરસે શ્રી મોઢેશ્વરી (મતંગી) માતાજીનો પાટોત્સવ ધામધૂમપૂર્વક ઊજવવામાં આવી રહયો છે. શ્રી માતાજીનાં દેશભરમાં આવેલાં સ્થાનકો મોઢેરા, વડોદરા, કપડવંજ, ગલુદણ, અમદાવાદ, ઉજ્જૈન, સુરત, શેરથા અને ભાવનગર મુકામે શ્રી મોઢેશ્વરી માતાજીનાં સ્થાનક આવેલાં છે.