કાપોદ્રા અશ્વનીકુમાર રોડ સ્થિત ક્ષમા સોસાયટીમાં રહેતા હીરાના કારખાનાના મેનેજરે ગતરાત્રિ દરમિયાન પત્નીની ઠંડે કલેજે હત્યા કરી હતી. બાદમાં તે લાશ પાસે સુઈ સવારે નાહીધોઈ તૈયાર થઈ કારખાને દીકરાને બાઈકની ચાવી આપી પોલીસ સમક્ષ હાજર થયો હતો અને ગુનો કબુલતા પોલીસે તેના ઘરે પહોંચી લાશનો કબજો મેળવી કાર્યવાહી કરી હતી.
મૂળ જૂનાગઢના વિસાવદરના ખોડાસણ ગામના વતની અને સુરતમાં કાપોદ્રા અશ્વનીકુમાર રોડ ક્ષમા સોસાયટી ઘર નં.૨૧૨ માં રહેતા વિઠ્ઠલભાઈ પ્રેમજીભાઈ ખીમાણીયા કાપોદ્રા ગાયત્રી સોસાયટી ખાતામાં સુરેશભાઈ ભગતના હીરાના કારખાનામાં મેનેજર તરીકે નોકરી કરે છે. તેમના બે પુત્રો પૈકી મોટો પુત્ર વનરાજ તેમના જ કારખાનામાં રત્નકલાકાર તરીકે નોકરી કરે છે. જયારે નાનો પુત્ર નિલેશ ઉર્ફે નીતિન ઘર જ છે.વતનમાં મોટા બાપાની દીકરી કોમલની ૧૩ મી ના રોજ સગાઈ હોવાથી હીરાબાગ ખાતે સોહમનગરમાં રહેતા બીજા મોટા બાપા જ્યંતિભાઈ વતન ગયા હોય ગતરાત્રે બંને ભાઈ તેમના ઘરે સુવા ગયા હતા.જયારે તેમના પપ્પા અને મમ્મી દયાબેને વતન જવાના હોવાથી સવારે નિલેશ નાસ્તો પાણી કરવા માટે ઘરે ગયો હતો અને પપ્પા પાસેથી પૈસા લાવ્યો હતો.બંને ભાઈ મિત્ર સતીષ સાથે બહાર ચા નાસ્તો કરી છુટા પડયા હતા અને વનરાજ કારખાને ગયો હતો. જયારે નિલેશ મોટા પપ્પાના ઘરે ગયો હતો.વિઠ્ઠલભાઈ કારખાને આવ્યા હતા અને તેને બાઈકની ચાવી આપી ચાલ્યા ગયા હતા.વનરાજને જાણ થઈ હતી કે મમ્મીને કંઈક થયું છે. આથી તે ઘરે પહોંચ્યો તો ત્યાં તેના પપ્પા પોલીસની સાથે હાજર હતા.વનરાજે પપ્પાને સાઈડમાં લઈ જઈ પૂછતાં તેમણે શાંતિથી જવાબ આપ્યો હતો કે વતન નહીં આવવા બાબતે ઝઘડો થતા મેં તારી મમ્મીને રાત્રે દોઢથી અઢી વાગ્યાના અરસામાં પેટમાં કોણી મારી, મોઢું, નાક અને ગળું દબાવી મારી નાંખી છે. પપ્પાની વાત સાંભળી વનરાજ ચોંકી ગયો હતો.બાદમાં તેને જાણવા મળ્યું હતું કે પાંચ મહિના અગાઉ તેની મમ્મી સીતાનગર ચોકડી પાસેથી સમાજના યુવાન સાથે ભાગી ગઈ હતી અને બાદમાં પરત ફરી હતી ત્યાર બાદ મમ્મી-પપ્પા વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. કોમલની સગાઈમાં આવવા ગતરાત્રે દયાબેને ઇન્કાર કરતા વિઠ્ઠલભાઈઍ તેની ઠંડે કલેજે હત્યા કરી હતી. બાદમાં તે લાશ પાસે સુઈ સવારે નાહીધોઈ તૈયાર થઈ કારખાને દીકરાને મળી બાઈકની ચાવી આપી હતી પણ તેને પત્નીની હત્યા અંગે ઍક શબ્દ પણ જણાવ્યો નહોતો.બાદમાં તે વરાછા પોલીસ સમક્ષ હાજર થયો હતો અને ગુનો કબુલતા વરાછા પોલીસે કાપોદ્રા પોલીસને જાણ કરી હતી. કાપોદ્રા પોલીસ વિઠ્ઠલભાઈને લઈ તેના ઘરે પહોંચી હતી. કાપોદ્રા પોલીસે વનરાજની ફરિયાદના આધારે ગુનો નોંધી વિઠ્ઠલભાઈની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.