સુરત મહાનગરપાલિકાના વિપક્ષ આમ આદમી પાર્ટીના ઍક મહિલા કોર્પોરેટરનો ફોન આજે સ્વીચ ઓફ આવતાં ફરી ઍક વાર સુરતનું રાજકારણ ગરમાયું છે. આપના વધુ ઍક કોર્પોરેટર પક્ષનો છેડો ફાડે તેવી શક્યતા તેજ થઈ ગઈ છે. ગઈકાલ સુધી આપની બેઠકમાં હાજર મહિલા કોર્પોરેટર અચાનક જ સંપર્ક વિહોણા થતાં સુરતના આપના નેતાઓનું ટેન્શન વધ્યું છે.
પાલિકાના આપના પાંચ કોર્પોરેટરોના ભાજપમા પ્રવેશ બાદ આપના કોઈ પણ કોર્પોરેટરનો ફોન સ્વીચ ઓફ આવે તો તેઓ ભાજપમાં જોડાય તેવી અટકળ વધી જાય છે. વધુ ઍક મહિલા કોર્પોરેટર કુંદન કોઢીયા કે જેઓ અગાઉ વિવાદમાં આવ્યા હતા તેઓ અને તેમના પતિનો ફોન સ્વીચ ઓફ આવ્યો છે. તેઓ સંપર્ક વિહોણા થઈ જતાં ફરી ઍક વાર આપમાં ગાબડુ પડે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. આપના નેતાઓ પહેલાંથી જ આક્ષેપ કરતાં આવ્યા છે કે, ભાજપના નેતાઓ તેમના કોર્પોરેટરોને ખરીદી રહયા છે. આપમાંથી જે ભાજપમાં ગયાં તે કોર્પોરેટરો પર આપના નેતાઓ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ પણ થઇ રહયા છે. હવે અગાઉ ઓડિયો ક્લીપના કારણે વિવાદમાં આવેલા આપના કુંદન કોઠીયા અને તેમના પતિનો ફોન બંધ આવતાં ફરી ઍક વાર ઝાડું તુટી રહયું છે તેવી વાત શરૃ થઈ ગઈ છે.પાલિકાના વિરોધ પક્ષ નેતા ધર્મેશ ભંડેરીઍ કહયું કે, ગઈકાલે બજેટની ચર્ચા મુદ્દે કુંદન કોઠીયના વોર્ડમા જ હતા અને ત્યારે જ તેમની તબિયત બગડી હતી. ત્યાર બાદ તેઓનો ફોન સતત સ્વીચ ઓફ આવે છે. તેઓઍ તો ભાજપમાં નહીં જોડાવવા માટેની વાત કરી હતી પરંતુ હાલના તબક્કે કશુ પણ કહી શકાય તેમ નથી.