સચિન વિસ્તારના પાલી ગામમાં ઍક ૧૦ વર્ષના માસૂમ બાળકનો અપહરણ બાદ હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે. બાળકની હત્યા પાછળ માતા સાથેના પ્રેમ સંબંધ જવાબદાર હોવાની શક્યતાઓને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે. બાળકની નિર્દયતાથી હત્યા કરનારને પકડી પાડવા પોલીસ ચારેય દિશાઓમાં કામ કરતી હોવાનું પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું છે.
પોલીસે જણાવ્યું હતું કે, હત્યાનો ભોગ બનાર ૧૦ વર્ષીય માસૂમ બાળક હોવાનું અને પાલી ગામ સચિનમાં રહેતો હોવાનું હાલ જાણવા મળ્યું છે. માસૂમની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવ્યા બાદ ઍના ગળા અને માથા પર ઘાના નિશાન અને ગળું દબાવવા હોવાના નિશાન મળી આવ્યા છે. ઘટના સચિન પોલીસ સ્ટેશનની હદમાં બની છે. માસૂમની અપહરણ બાદ હત્યા કરાઈ હતી.વધુમાં જણાવ્યું હતું કે હત્યારો મૃતક બાળકના ઘરમાં ભાડૂઆત તરીકે જ રહેતો હોવાનું પણ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. બીજી બાજુ શાહબુદ્દીન નામના પ્રેમીઍ પરિણીતાના પ્રેમ પામવા માટે ઍના જ માસૂમ બાળકનું અપહરણ કરી હત્યા કરી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. પારડી ગામના બહુચર નગરની ઍક ચાલની ખોલીમાંથી બાળકની લાશ મળી આવ્યા બાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સચિન પીઆઈ બીકે ઝાલાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પણ સંપર્ક થઈ શક્યો નથી.