સુરતમાં લાંબા સમય સુધી સતામણી બાદ ગ્રીષ્મા વેકરિયાની હત્યાની ઘટનાને પગલે મહિલાઓની સલામતીને લઈને સામાજિક સંસ્થાઓ દ્વારા કડક પગલાં ભરવાના માગણી કરવામાં આવી હતી. બુધવારે સુરત પોલીસે સ્કૂલ, કોલેજ કે પોતાના કામે જતી મહિલાઓની સતામણી કરનાર તત્ત્વો પર અંકુશ મેળવવા માટે નવું જાહેરનામું જારી કર્યું હતું. જે મુજબ શહેરમાં સ્કૂલ, કોલેજ, ટ્યુશન ક્લાસ કે મહિલા હોસ્ટેલના ૫૦ મીટરની આસપાસના ૫૦ મીટરના અંતરમાં કોઈપણ પુરુષકે પુરૂષોને વાજબી કારણ વિના ઊભા રહેવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
સુરતના વેસુમાં થોડા મહિના પહેલા કપલ બોક્સમાં યુવતીના રહસ્યમય મોતની ઘટના બની હતી. યુવતી વિધર્મી યુવક સાથે કપલ બોક્સમાં બેઠી હતી. વિધર્મી યુવક હજુ પોલીસને મળ્યો નથી, હજુ સુધી આ ગુનો ઉકેલાયો નથી, આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચ કરી રહી છે. ઉપરાંત સરથાણા અને કતારગામમાં કપલ બોક્સમાં બળાત્કારની બે ઘટના બની હતી. ત્યાર બાદ પણ વરાછા-સરથાણા-કાપોદ્રા-પુણા સહિતના વિસ્તારોમાં કપલ બોક્સ બંધ થવાનું નામ લેતા ન હતા. અઠવાડિયા પહેલા કામરેજ તાલુકાના પાસોદરામાં ગ્રીષ્માને ફેનિલે ચપ્પુથી બંધક બનાવી મોતને ઘાટ ઉતારી હતી. આ ઘટના પછી સામાજિક સંસ્થાઓઍ શહેરમાં કપલ બોક્સ, સ્પા અને પાનના ગલ્લાઓ બંધ કરાવવાની માંગ કરી હતી.સુરત પોલીસના જાહેરનામા મુજબ કૉફીશોપ, હોટલો, કાફે, રેસ્ટોરન્ટમાં ઍકાંતમાં બેસી કોઈ જોઇ ન શકે તેવી બંધ કેબિન ઍટલે કપલ બોક્સ પર પ્રતિબંધ મૂક્યો છે. કોફીશોપ, હોટેલો, કાફે અને રેસ્ટોરન્ટમાં સ્પષ્ટ રીતે દેખાય તેવી બેઠક વ્યવસ્થા રાખવાની રહેશે. તમામ જગ્યાઓ સ્પષ્ટ દેખાય તે રીતે સીસીટીવી કેમેરા લગાડવાના રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કલમ ૧૮૮ મુજબ કાર્યવાહી કરાશે.