અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસ મામલે આજે સ્પેશિયલ કોર્ટ દ્વારા સજાનું ઍલાન કરવામાં આવ્યું છે જેમાં ૩૮ દોષિતોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે જ્યારે ૧૧ને જનમટીપની સજા ફટકારવામાં આવી છે. દેશના ઈતિહાસમાં પ્રથમ વખત ઍક સાથે ૩૮ દોષિતોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. ઉપરાંત દરેક દોષિતને ૧૦ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને દંડ ન ભરે તો વધુ ૨ મહિનાની સજા ભોગવવાની રહેશે.આ સાથે જ મૃતકના પરિવારજનોને ૧ લાખ રૂપિયા અને ઈજાગ્રસ્ત લોકોને ૫૦,૦૦૦ તેમ જ સામાન્ય ઈજાગ્રસ્ત થયેલા લોકોને ૨૫,૦૦૦ રૂપિયાનું વળતર આપવામાં આવશે.દેશના ઈતિહાસમાં કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. આ પહેલાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસમાં ૨૬ને ફાંસીની સજા આપવામાં આવી હતી. હાલમાં આરોપીઓ અમદાવાદ, મધ્યપ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્રની જેલમાં બંધ છે.
અમદાવાદમાં ગત ૦૮ ફેબ્રુઆરીના રોજ સીરિયલ બોંબ બ્લાસ્ટ કેસનો ચુકાદો આવ્યો હતો જેમાં દેશના ઈતિહાસમાં પ્રથમ વખત ૪૯ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ગત ૧૫ ફેબ્રુઆરીના રોજ વર્ષ ૨૦૦૮માં અમદાવાદ ખાતે થયેલા સીરિયલ બ્લાસ્ટ કેસમાં દોષિતોને સજા મામલે તમામ પક્ષે સુનાવણી પૂર્ણ થઈ હતી. વિશેષ કોર્ટે દોષિતોનો, બચાવ પક્ષના વકીલોનો અને પ્રોસીક્યુશનનો પક્ષ સાંભળ્યો હતો. પ્રોસિક્યુશન દ્વારા દોષિતોને ફાંસીની સજાની માગણી કરવામાં આવી હતી જ્યારે બચાવ પક્ષે લઘુત્તમ સજાની માગ કરી હતી. સજાની સુનાવણી અગાઉ આરોપીઓના વકીલ તરફથી કોર્ટ સમક્ષ દોષિતોને સુધારાનો અવકાશ આપવા રજૂઆત કરવામાં આવી હતી. આ માટે ઋષિ વાલ્મિકીનું ઉદાહરણ આપવામાં આવ્યું હતું. કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપીઓ શૈક્ષણિક લાયકાત ધરાવે છે અને તેમને સુધરવાની ઍક તક આપવી જોઈઍ. આ ઉપરાંત આરોપીઓની વિગતો, પારિવારીક સ્થિતિ, મેડીકલ પુરાવા વગેરે રજૂ કરવા ૩ સપ્તાહના સમયની માગ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, દોષિતોઍ જઘન્ય અપરાધ કર્યો છે માટે તેમને મહત્તમ સજા થવી જોઈઍ. આ માટે કોર્ટમાં રાજીવ ગાંધી હત્યા કેસના ચુકાદાનો રેફરન્સ પણ આપવામાં આવ્યો હતો. સાથે જ ઍક ચુકાદાનો હવાલો આપીને સરકારી વકીલોઍ રજૂઆત કરી હતી કે, વાલ્મિકીઓ રોજ નથી થતા કે તેમનામાં સુધારાનો અવકાશ હોય. આ ઉપરાંત કોર્ટને આરોપીઓના ગુનાહીત ઈતિહાસ, સુરંગકાંડ જેવી બાબતો ધ્યાનમાં લેવા રજૂઆત કરી હતી. કોર્ટે કુલ ૭૮માંથી ૪૯ આરોપીઓને અનલોફુલ ઍક્ટિવિટીઝ પ્રિવેન્શન અંતર્ગત દોષિત જાહેર કર્યા હતા. દેશના ઈતિહાસમાં પ્રથમ વખત શ્ખ્ભ્ખ્ અંતર્ગત ૪૯ આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. આ ૪૯ પૈકીના ૧ દોષિત અયાઝ સૈયદે તપાસમાં મદદ કરી હોવાથી તેને સજામાંથી મુક્તિ આપવામાં આવી છે. જ્યારે બાકીના ૨૯ આરોપીઓને કોર્ટે શંકાના આધારે નિર્દોષ જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, ૨૬ જુલાઈ, ૨૦૦૮ના રોજ નદીપારના ૨૦ વિસ્તારો શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટથી ધણધણી ઉઠ્યા હતા. શ્રેણીબદ્ધ ૨૧ બોમ્બ ધડાકાઓમાં ૫૬ લોકોના મોત થયા હતા અને ૨૫૦ કરતાં પણ વધારે લોકોને ઈજાઓ પહોંચી હતી. આ કેસમાં તમામ આરોપીઓને કલમ ૩૦૨ અને ૧૨૦ અંતર્ગત દોષિત જાહેર કરવામાં આવ્યા છે અને ૩૦૨ની કલમ હેઠળ આજીવન કેદ કે મૃત્યુ દંડની સજા આપવાની જોગવાઈ છે.