સુરતના ગ્રીષ્મા હત્યા કેસ બાદ પોલીસ ઍક્શન મોડમાં આવી ગઈ છે. અલગ અલગ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ શરૂ કરતા જ રોમિયોગોરી કરનારાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જોઈન્ટ પોલીસ કમિશનર, ડીસીપી, ઍસીપી સહિત અનેક પોલીસની ટીમો રાંદેર, અડાજણ, વરાછા, કતારગામ સહિતના વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યું હતું.
સુરતના જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલે જણાવ્યું હતું કે સિટીનું ક્રાઈમ મેપિંગ કરીને છેલ્લા ત્રણ વર્ષના ડેટાને આધારિત જે વિસ્તારોમાં ગુનાખોરી વધી રહી છે, ત્યાં આ મહિનાથી ફૂટ પેટ્રોલિંગ શરૂ કરાયું છે. બપોરે ૨ વાગ્યાથી રાતના ૮ વાગ્યાના સમય દરમિયાન ઉચ્ચ અધિકારીઓ ફૂટ પેટ્રોલિંગમાં હોય છે. ત્યારબાદ સ્થાનિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ કર્મચારીઓ સહિત પેટ્રોલિંગ કરતો હોય છે. તેટલું જ નહીં રાત્રે પણ ચેકિંગ કરવામાં આવે છે.’ઍક ચેકિંગમાં શંકાસ્પદ અને નંબર પ્લેટ વગરના વાહનો લઈને નીકળતા યુવાનોની કડક પૂછપરછ કરવામાં આવી હતી. આ સાથે ખાસ તકેદારી પણ રાખી છે કે કોઈ સામાન્ય નાગરિક, પરિવાર કે સિનિયર સીટીઝન હેરાન ન થાય. ગઈકાલથી શરૂ કરાયેલા આ પેટ્રોલિંગમાં અનેક કેસ કરવામાં આવ્યા છે અને હવે રોજ આ પ્રકારે જ કામગીરી કરવામાં આવશે. જેથી ચોક્કસપણે ગુનાખોરોને અટકાવવામાં મદદ મળશે.