શહેરના ઐતિહાસિક ગાંધીબાગમાં ફરી ‘અલ્લુ અર્જુન’ પેંધા પડ્યા છે. બે દિવસ અગાઉ ચંદનના ઝાડ ચોરી જવા કટર અને કુહાડી સાથે ગાંધીબાગમાં ઘૂસેલા ૬ જેટલા ચંદનચોરનો પ્લાન સિક્યુરિટી જવાને નાકામિયાબ બનાવ્યો છે. રાત્રિના અંધકારમાં ગાર્ડનમાં ઘૂસેલા ૬ ચંદનચોરોને ઍક સિક્યુરિટી જવાને પડકાર ફેંક્યો હતો. કટર અને કુહાડી લઇને આવેલા ચોરો સાથે સિક્યુરિટીઍ બાથ ભીડી હતી. મારામારી થતાં અન્ય સિક્યુરિટી જવાનો દોડી આવતા ચંદનચોર ફરાર થઇ ગયા હતા.
ગાંધીબાગમાં હજી પણ ચંદનના કેટલાક ઝાડ ઊભા છે. બેથી ત્રણ દિવસ અગાઉ મોડી રાતે ત્રણ કલાકે સિક્યુરિટી જવાનો ગાંધીબાગમાં રાઉન્ડ લઇ રહ્ના હતા તે દરમિયાન કેટલાક અજાણ્યાઓ ગાર્ડનમાં ઘૂસ્યા હતા. તેમની ભેદી હિલચાલ ઉપર સિક્યુરિટીની નજર પડી હતી. ઍકસાથે છ વ્યક્તિ ઓ લઇ બાગમાં પ્રવેશતા નવાજૂની કરવાના હોવાની ગંધ પારખી સિક્યુરિટી જવાન તેમની નજીક ગયો હતો. તમામ છ ચંદનચોરના હાથમાં ઝાડ કાપવાના પૂરતા સાધનો હતા. કટર અને કુહાડી લઇ રાત્રિના અંધકારમાં તેઓ ગાંધીબાગમાં આવતા નક્કી ઝાડ કાપવા આવ્યા હોવાની તેમની કરતૂત ખુલ્લી પડી હતી. સાધનો સાથે બાગમાં આવેલા ચોરોને ઝાડ કાપતા અટકાવવા સિક્યુરિટી જવાને લલકાર ફેંક્યો હતો. જેને પગલે મારામારી થઇ હતી. સિક્યુરિટી જવાનનો અવાજ સાંભળી ગાર્ડનમાં નાઇટ ડ્યૂટી કરી રહેતા અન્ય સિક્યુરિટી જવાનો પણ ચંદનના ઝાડ તરફ દોડી ગયા હતા. સિક્યુરિટી જવાનોને સામેની આવતા જોઇ ચંદનચોર ફરાર થઇ ગયા હતા. આ બાબતે અઠવા પોલીસમાં સત્તાવાર અરજી ફાઇલ કરવામાં આવી હતી. જોકે, અરજી ઉપર કોઇ નક્કર કાર્યવાહી આગળ વધી નથી. ગાંધીબાગમાં ૨૨ જેટલા ચંદનના વૃક્ષ હતા. આ પૈકી હાલ ૧૨ જેટલા ચંદનના વૃક્ષ ઊભેલા છે. તબક્કાવાર ઝાડ કાપવામાં આવી રહ્ના હોવા છતાં કાયદેસર પોલીસ ફરિયાદ કરવામાં સુરત મહાપાલિકાનો ગાર્ડન વિભાગ અને સિક્યુરિટી વિભાગ ઍકબીજાને ખો આપી રહયો છે. બે-ત્રણ દિવસ અગાઉ બનેલી ઘટનાથી તાત્કાલિક અસરથી ગાંધીબાગમાં સીસીટીવી કેમેરા લગાડવાની કામગીરી શરૂ કરાઈ છે.