ઓલપાડના સારોલી ગામની સીમમાંથી ઘરેલુ ગેસના ભરેલા સિલિન્ડરમાંથી ખાલી સિલિન્ડરમાં ગેસ ટ્રાન્સફર કરવાનું ભોપાળું રંગેહાથ ઝડપાયું છે. ચંદન અને પિન્કી ગેસ ઍજન્સીના ટેમ્પો ડ્રાઇવર અને ડિલિવરી બોય ખુલ્લેઆમ અન્ય બોટલમાં ગેસ ટ્રાન્સફર કરી રહ્ના હતા. તંત્રઍ ૪ ટેમ્પો અને ૫૬ સિલિન્ડર મળી ૧૧ લાખનો મુદ્દામાલ સિઝ્ડ કર્યો હતો. આ સાથે જ ૧૫ કિલોના સિલિન્ડરમાંથી ૨થી ૪ કિલો ગેસ અન્ય સિલિન્ડરમાં ટ્રાન્સફર કરી ગ્રાહકોને ઓછો ગેસ પધરાવવાના કારસ્તાનનો પર્દાફાશ થયો છે.
સુરતની કેટલીક ગેસ ઍજન્સીના સંચાલકો ગેસ કનેક્શનધારકોને ઓછા વજનના સિલિન્ડર પધરાવી રહ્ના હોવાની બૂમ છેલ્લા ઘણા સમયથી ઊઠી રહી છે. અગાઉ પણ શહેરના જાગૃત નાગરિકોઍ સિલિન્ડર ડિલિવરી કરતા જતાં ટેમ્પોને અટકાવી જાહેરમાં બોટલનું વજન કરતાં સિલિન્ડરનું નિયત કરતાં ઓછું વજન હોવાનું સામેઆવ્યું હતું. ત્યારે હાલમાં ઓલપાડના સારોલી ગામ પાસે ખુલ્લામાં ઍલપીજી ગેસ ભરેલા સિલિન્ડરમાંથી ખાલી સિલિન્ડરમાં બેથી ચાર કિલો ગેસ ટ્રાન્સફર કરવાનું કારસ્તાન ઝડપાયું છે. ચંદન અને પિન્કી ગેસ ઍજન્સીના ચાર ટેમ્પો ડ્રાઇવર અને ક્લીનર સિલિન્ડર ટ્રાન્સફર કરતા પુરવઠા વિભાગના હાથે ઝડપાયા હતા. સ્થળ પરથી ૪ ટેમ્પો અને ૫૬ ગેસ સિલિન્ડર મળી ૧૧ લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. હવે ૨ લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ હોવાથી જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા સમગ્ર ઘટનાનો રિપોર્ટ કલેક્ટર કરાયો છે. હાલ તો કસૂરવાર ઍજન્સીનું લાઇસન્સ સસ્પેન્ડ કરવા રિપોર્ટ કરાશે. ત્યારબાદ કલેક્ટરના નિર્દેશ અનુસાર ઍજન્સીનું લાઇસન્સ કાયમી ધોરણે રદ કરી દેવા કાર્યવાહી કરાશે. ગેસ સિલિન્ડરના ભાવ હાલ ૯૦૦ની આસપાસ છે. ત્યારે ઊંચા ભાવે સિલિન્ડર ખરીદી ઓછા વજનના મળતા ગૃહિણીઓમાં ભારોભાર રોષ જોવા મળી રહ્ના છે.