પાસોદરામાં માસૂમ ગ્રિષ્મા વેકરિયાની હત્યા કરનારા ફેનિલ વિરૂદ્ધ જિલ્લા પોલીસ સોમવારે કોર્ટમાં ૧૦૦૦થી વધુ પાનાનું ચાર્જશીટ રજૂ કરી છે. રવિવારે રેન્જ આઇજી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની મેરેથોન મિટિંગ મળી હતી, જેમાં ૧૫૦ સાક્ષી, ૨૫ પંચનામા, ફેનિલના મોબાઇલમાંથી મળેલા પુરાવા, તેની ઓડિયો ક્લિપનો ઍફઍસઍલનો રિપોર્ટ વગેરે સહિતના પુરાવા ભેગા કરાયા હતા. ગ્રિષ્માની હત્યા કરવા પહેલા ફેનિલે ઍકે-૪૭ રાઇફલ ખરીદવા પણ વેબસાઇટ સર્ચ કરી હતી.
ફેનિલ ગોયાણીઍ ગ્રિષ્માની હત્યા કરવા માટે પ્લાનિંગ કર્યું હતું, તે પણ પોલીસ તપાસમાં ખૂલ્યું છે. હત્યા કેવી રીતે કરી શકાય તે માટે તેણે ઇન્ટરનેટ પર સર્ચ કર્યું હતું, હથિયારો કેવી રીતે ઓનલાઇન મળી શકે અને તેનો ઉપયોગ કેવી રીતે થાય તે બાબતે જાણ્યું હતું. તેણે ગ્રિષ્માની હત્યા કરતા પહેલા ઍક મિત્રને ફોન પર વાત પણ કરી હતી, જે ઓડિયો ક્લિપ પોલીસને મળી હતી.આ ક્લિપના આધારે પોલીસ ફેનિલને રિમાન્ડ દરમિયાન ગાંધીનગર ઍફઍસઍલમાં લઈ ગઈ હતી, જ્યાં તેનો વોઇસ રેર્કડિંગ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ પણ ઍફઍસઍલઍ પોલીસને સોંપી દીધો છે. પોલીસે ફેનિલ સામે સજ્જડ પુરાવા ઍકત્ર કરી લેતા હવે સોમવારે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવશે. આટલા ઓછા સમયમાં ચાર્જશીટ કરવાનો સુરત જિલ્લા પોલીસનો આ પહેલો કિસ્સો બનશે.