સુરતના સરથાણા યુવાન પાસે એમ્બ્રોઇડરી જોબવર્ક કરાવી બાકી પેમેન્ટ રૂ.૩૪.૧૩ લાખ નહીં ચૂકવી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર રીંગરોડ સ્થિત મિલેનિયમ માર્કેટમાં દુકાન ધરાવતા લહેંગા ચોલીના વેપારીની સલાબતપુરા પોલીસે ધરપકડ કરી છે.
સુરતના સરથાણા જકાતનાકા રાજહંસ સ્વપ્ન એપાર્ટમેન્ટ ત્રિમૂર્તિ ટાવર ફ્લેટ નં.૧૨૦૪ માં રહેતા અને એમ્બ્રોઇડરી જોબવર્ક કરતા ૩૧ વર્ષીય સુધીર હિમ્મતભાઇ ગલાણી પાસે રીંગરોડ મિલેનિયમ માર્કેટમાં રાધે ક્રિષ્ના ફેશનના નામે લહેંગા ચોલીનો વેપાર કરતા યશ બીપીનભાઇ મિયાણી લહેંગા ચોલી પર એમ્બ્રોઇડરી જોબવર્ક કરાવી શરૂઆતમાં વિશ્વાસ કેળવ્યો હતો. જોકે, ગત ૧૫ ડિસેમ્બર, ૨૦૧૯ થી ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૧ દરમિયાન કરાવેલા જોબવર્કના રૂ.૩૪.૧૩ લાખનું પેમેન્ટ ચુકવવાને બદલે તેણે વાયદા કર્યા હતા. બાદમાં તેણે ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા છેવટે સુધીરે ગત શુક્રવારના રોજ તેના વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. સલાબતપુરા પોલીસે ગતરોજ વેપારી યશ બીપીનભાઇ મિયાણી ની ધરપકડ કરી છે.