
ગોટાલાવાડી ટેનામેન્ટ પ્રકરણમાં પાલિકાને સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ સ્થાયી સમિતિઍ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા કમિશનરને નોંધ પાઠવી હતી. આ પ્રકરણમાં જવાબદાર અધિકારીઓને ખુલ્લા પાડવાને બદલે સ્લમ અપગ્રેડેશન સેલના માત્ર આસીસ્ટન્ટ-જુનિયર ઇજનેર, સુપરવાઈઝર, ટેક્નિકલ આસીસ્ટન્ટ ઍમ ૮ નાના કર્મીઓની અન્ય ખાતામાં બદલી કરાઈ છે પરંતુ મોટા માથાઓ સામે કાર્યવાહી કરવાને બદલે બચાવી લેવા ખેલ રચાયો છે.!
કતારગામ ગોટાલાવાડી ટેનામેન્ટ રહીશોને આખરે સુપ્રીમ કોર્ટમાં ન્યાય તો મળ્યો છે પરંતુ ખરો ન્યાય તો તે સમયના જવાબદાર ડે.કમિશનર, કાર્યપાલક ઇજનેર, ડેપ્યુટી ઇજનેર સહિતના કર્મીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી થાય ત્યારે જ મળશે. કેમ કે, પાલિકાના સ્લમ અપગ્રેડેશન સેલમાં આવા અણઘડ ભ્રષ્ટ કારભારીઓને પગલે ૧૩૦૪ પરિવારોઍ રાતા પાણીઍ રોવાનો વખત આવ્યો હતો. હવે જ્યારે સુપ્રીમ કોર્ટે પણ સુરત મહાપાલિકાના કાન આમળી ટેનામેન્ટ રહીશોની તરફેણમાં આદેશ કરતાં પાલિકાના આબરૂના ધજાગરા ઉડયા છે. સ્લમ અપગ્રેડેશન વિભાગના અધિકારીઓની પોલ પણ ઉજાગર થઈ છે. પરંતુ પાલિકાના ડે.કમિશનર કમલેશ નાયકે સોમવારે ૮ ની અન્ય ખાતામાં બદલી કરી અતિગંભીર પ્રકરણ પર પડદો પાડી દેવાની પેરવી કરી છે.સુપ્રીમ કોર્ટ ના આદેશ ને પગલે પાલિકા ના જેતે સમય ના સ્લમ અપગ્રેડેશન સેલના અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલે જે તે સમયના આ કામગીરી સાથે સંકળાયેલા અધીકારીઓની જવાબદારી નક્કી કરી કાર્યવાહી કરવા કમિશનર ને નોંધ પાઠવી છે, પરંતુ કહેવા પુરતી જ બદલીની કાર્યવાહી નાના કર્મીચારીઓ પર જ કરાઇ છે, પરંતુ જે તે સમયના જવાબદાર ડે.કમિશનર, કાર્યપાલક ઇજનેર, ડે.ઇજનેર ને બચાવી લેવા કારશો રચાયો છે ને શાસકો ને રીતસર ના ઉઠા ભણાવાઇ રહયા છે.