હાઇકોર્ટની લપડાક બાદ ગેરકાયદે બિલ્ડિંગ સામે કાર્યવાહીના આદેશ અપાતા વરાછા ઝોન-બી દ્વારા બીયુ સર્ટી વગરની મિલકતો સામે કાર્યવાહી શરૂ કરાઇ છે. સોમવારે વરાછા ઝોન-બીમાં ૧૫ મીટરથી ઊંચી બિલ્ડિંગોના ગટર કનેક્શન કાપવા ટીમ બનાવી હતી. ૧૦ મિલકતના ગટર કનેકશન કપાતા મિલકતદારો દોડતા થયા હતાં. સીમાડા નાકા નજીકની સુવિધા બિલ્ડિંગમાં ગટર જોડાણ કાપવા ગયેલા પાલિકા કર્મીઓને મહિલાઓના ટોળાઍ ઘેરી હોબાળો મચાવતા પોલીસ બોલાવી કામગીરી કરાઈ હતી.
હાઇકોર્ટની નારાજગી બાદ શહેરમાં હવે ૧૫ મીટરથી ઊંચી અને બિલ્ડિંગ યુઝ બીયુ તથા ફાયર ઍનઓસીવગરની મિલકતો સામે સીલ કાર્યવાહી કરી આગામી ૫મી માર્ચ સુધીમાં રિપોર્ટ કરવા પાલિકા કમિશનરે તમામ ઝોન અધિકારીઓને આદેશ કર્યાં છે. જેને પગલે સોમવારથી જ સીલિંગની કામગીરી આરંભી દેવાઈ છે.શહેરમાં ૧૫મીટરથી ઊંચી કુલ ૩૮૪ ગેરકાયદે મિલકતોને આઇડેન્ટીફાઇ કરાઈ હતી. સરવે પ્રમાણે વિવિધ ઝોનમાં આવેલી ૧૫મીટરથી ઊંચી અને બિલ્ડિંગ યુઝ સર્ટી વગર ઉપયોગમાં આવી રહેલી કુલ ૩૮૪ મિલકતોમાં ૩૫૪ રહેણાંક, ૮ કોમર્શિયલ અને અન્ય ૨૨ મિલકતોનો સમાવેશ થાય છે.