
નાનપુરામાં હાર્ટના ડો. પ્રણવ વૈદ્ય પર દર્દી અને તેના પુત્રઍ હુમલો કર્યો હતો. તબીબે પોલીસ ફરિયાદ આપતા પોલીસે પિતા દિલિપ આહીરે અને પુત્ર વિપુલ આહીરે ની સામે ગુનો નોંધ્યો છે.
અડાજણમાં રિવર પેલેસ ઍપાર્ટમેન્ટમાં રહેતા અને નાનપુરા ઍસઍનઍસ બિલ્ડિંગના ચોથા માળે હેપ્પી હાર્ટ નામનું ક્લિનિક ચલાવતા ૩૬ વર્ષીય પ્રણવ નુતનકુમાર વૈદ્ય તા.૨૧મીઍ ક્લિનિક પર હતા ત્યારે ડિંડોલીમાં રહેતા ૬૦ વર્ષીય દર્દી દિલિપ આહીરે ૨૧મી તારીખે બપોરે ઍક વાગ્યા પછી ક્લિનિકમાં ચેકઅપ માટે આવ્યા હતા. તબીબે સાંજે ૪ વાગ્યાનો સમય આપ્યો હતો. સાંજે ૪-૩૦ વાગ્યે ડોકટર ક્લિનિક પર આવી દર્દીઓ તપાસી રહયા હતા.ત્યારે સાંજે ૫ વાગ્યે પેશન્ટ દિલિપ તેના દીકરા વિપુલ સાથે આવી મહિલા કર્મીને કહયું કે, મારો વારો કયારે આવશે, આથી સ્ટાફે કહયું થોડી વાર બેસો તમારો વારો આવે ઍટલે અંદર મોકલું, દર્દીઍ સ્ટાફને કહયું કે, અમારો વારો હતો તો પણ ડોકટર બીજા દર્દીને કેમ તપાસે છે કહી બોલાચાલી કરી હતી. આથી તબીબે દર્દી અને તેના પુત્રને ચેમ્બરમાં બોલાવી કહયું કે, તમારી ઍપોઈન્ટમેન્ટ ૪-૩૦ની હતી અને તમે ૫ વાગ્યે આવ્યા, થોડીવાર બેસો હું બોલાવી લઉ છું, જેથી પિતા-પુત્રઍ તમે મફતના પૈસા લો છો, કહી હુમલો કર્યો હતો. દિલિપ કાપડ દલાલ અને વિપુલ શાકભાજીની લારી ચલાવે છે.પિતા-પુત્રઍ તબીબને ધમકી આપી કે, તું દવાખાનામાંથી નીચે ઉતર હું તને જોઇ લઈશ, તારા હાથ-પગ તોડી નાખીશ, જેથી તબીબે અઠવાલાઇન્સ પોલીસમાં ફરિયાદ આપી હતી. આ ઘટનાને ઈન્ડિયન મેડિકલ ઍસોસીઍસનઍ વખોડી હતી. આઈઍમઍના મીડિયા કમિટીના ચેરમેન ડો.વિનેશ શાહ સહિતના ડોકટરો પોલીસ મથકે દોડી આવી રજૂઆત કરી હતી.