સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામે ૧૧ વર્ષની પરપ્રાંતિય પરીવારની માસુમ દીકરી પર દુષ્કર્મ ગુજાર્યા બાદ તેની હત્યા કરવાની ઘટનામાં પકડાયેલા આરોપીને પોલીસે સુરત પોસ્કો કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
પલસાણા તાલુકાના જોળવા ગામે ઍક પરપ્રાંતિય પરીવારની ૧૧ વર્ષની દીકરીને રવિવાર રોજ તેની જ બિલ્ડિંગમાં રહેતા ઍક ઍક નરાધમે દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાખી હતી. આ ઘટનાને લઇ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. ઘટના બાદ તુરંત હરકતમાં આવેલી પોલીસે તાત્કાલિક બે આરોપીઓની અટક કર્યા બાદ દયાચંદ પટેલ નામના આરોપીની ધરપકડ કરી હતી. તેની પૂછપરછ દરમ્યાન તેમજ સીસીટીવી ફૂટેજના આધારે બાળકી પર તેણે જ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે આરોપી ની ઓળખ પરેડ કરાવ્યા બાદ રોજ તેનો કોવિડ ટેસ્ટ નેગેટિવ આવતા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં પોલીસે અન્ય આરોપીની સંડોવણી છે કે કેમ, તેની મદદગારીમાં કોઈ સામેલ છે કે કેમ, અન્ય પકડાયેલ આરોપીની શું ભૂમિકા છે, ભૂતકાળમાં કોઈ ગુનામાં સામેલ હતો કે કેમ ઍવા વિવિધ પાસાઓને લઈને સુરતની સ્પેશિયલ સેશન કોર્ટ (પોસ્કો)માં રજૂ કરી સમક્ષ ૫ દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. સરકારી વકીલોની દલીલોને ધ્યાનમાં રાખી કોર્ટે ૪ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
આ સમગ્ર ઘટનામાં પોલીસે ઘટનાના ગણતરીના કલાકોમાં ઘટનામાં શકમંદો ઍવા દયાચંદ અને કાળુરામ ઍમ બે વ્યક્તિઓની અટકાયત કરી પૂછપરછ હાથધરી હતી જેમાં દયાચંદે મુખ્ય આરોપી હોવાનું બહાર આવ્યું હતું અને આ ઘટનામાં કાળુરામ મદદગારીમાં હોવાનું બહાર આવ્યું હતું પલસાણા પોલિસે કાળુરામને ડિટેઇન કરી કોરોના રિપોર્ટ કરવાની તજવીજ હાથધરી છે તેમજ કોરોના રિપોર્ટ બાદ કાળુરામને પણ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે સમગ્ર મામલે બાળકીના ફોરેન્સિક પી.ઍમ.ના રિપોર્ટ બાદ જ કાળુરામની સંડોવણીની ખબર પડશે