કિન્નરોના વેશમાં રિક્ષામાં બેસી સોસાયટીઓમાં ફરી વિધિ કરવાના બહાને ઘેનયુક્ત પ્રવાહી પીવડાવી લોકોને અર્ધબેભાન કરી મકાનોમાંથી રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરતી ગેગને સુરત ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે લાલદરવાજા ખોડીયાર માતાના મંદિર પાસેથી રીક્ષા સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી કુલ રૂપિયા ૨.૧૦ લાખની મત્તા કબજે કરી છે. ક્રાઈમ બ્રાંચે બે ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે.
સુરત શહેરમાં કિન્નરો થકી ઘેનયુક્ત પ્રવાહી પીવડાવી અર્ધબેભાન કરી સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરતી ગેગને પકડી પાડવા માટે સુરત પોલીસ કમિશનરે ક્રાઈમ બ્રાંચને સૂચના આપી હતી. ક્રાઈમ બ્રાંચના ઉચ્ચ અધિકારીઓઍ સુરત શહેરમાં બનેલા ગુનાઓ ઉકેલવા માટે ક્રાઈમ બ્રાંચની ટીમને જરૂરી સલાહ-સૂચનો આપ્યા હતાં. ત્યારબાદ ક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં જાતરાઈ ગઈ હતી. બનેલાં ગુનાઓમાં વર્કઆઉટ કરી આરોપીને પકડવા અલગ-અલગ ટીમો બનાવી હતી. તે દરમિયાન સુરત ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે જીજે-૫-ઍવાઈ-૦૧૨૩ નંબરની રીક્ષામાં કિન્નરના વેશમાં આરોપીઓ લાલદરવાજા ખોડીયાર માતાના મંદિર પાસેથી પસાર થવાના છે. આ હકીકતના આધારે ક્રાઈમ બ્રાંચે વોચ ગોઠવી ઉપરોક્ત નંબરની રીક્ષા આવતા તેને આંતરી લીધી હતી. પોલીસે રીક્ષામાં બેસેલા ત્રણ વ્યક્તિઓની પૂછપરછ કરતા રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના તરઘડી ગામમાં રહેતા મહેશનાથ ઝવેરનાથ પરમાર, બાબુનાથ માનસિંઘનાથ પરમાર અને ગોડાદરાના ધીરજનગરમાં રહેતો અને રીક્ષા ડ્રાઈવર રામસેવક કૈલાશ શર્મા હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેઓની તલાશી લેતા સોનું પેન્ડલ, બે હીરાની વીંટી, ૩ સોનાની ચેઈન, સોનાની બુટ્ટી, ચાંદીની લકી અને ચાંદીની લગડી અને રીક્ષા મળી કુલ રૂપિયા ૨.૧૦ લાખની મત્તા કબજે કરી હતી તેમજ આરોપીઓ પાસેથી લિંબાયતના પ્રભુદર્શન સોસાયટીમાં રહેતી વિલાસબેન પ્રકાશભાઈ નામની મહિલાનું આધારકાર્ડ પણ મળી આવ્યું હતું. પોલીસે આ અંગે પૂછપરછ કરતા સોનાના દાગીના અને રોકડા રૂપિયા તથા આધારકાર્ડ તારીખ ૨૦મી ફેબ્રુઆરીના રોજ સવારના ૧૧ વાગ્યાના અરસામાં વરાછા રોડ ગાયત્રી ખમણની ગલીમાં આવેલી સોસાયટીમાં રામસેવકની રીક્ષામાં બેસીને ગયા હતા અને ઍક બંગલામાં બે બહેનો પાસે કિન્નરના વેશમાં જઈ માતાજીના હવન માટે પૈસા તથા ઘીની માંગણી કરી મેલી વિદ્યાના બહાને તેમને ઘેનયુક્ત પ્રવાહી પીવડાવી હાથફેરો કર્યો હતો અને ત્યારબાદ તારીખ ૧૩ જાન્યુઆરી ૨૦૨૨ïના રોજ ભટારના ઍક ઍપાર્ટમેન્ટમાં પણ કિન્નરના વેશમાં જઈ માતાજીના હવનના નામે પૈસા માંગી મેલી વિદ્યા કરવાના બહાને ત્યાં પણ હાથફેરો કર્યો હતો. આમ, ક્રાઈમ બ્રાંચે વરાછા અને ખટોદરા પોલીસ મથકનો ગુનો ઉકેલી કાઢ્યો છે. આ ઉપરાંત મહેશનાથ અને બાબુનાથનો ભૂતકાળ પણ ગુનાહિત ઇતિહાસથી ખરડાયેલો છે. રાજ્યના અલગ-અલગ પોલીસ મથકોમાં તેમનાં વિરૂદ્ધ અસંખ્ય ગુનાઓ નોîધાયા છે.ï