સરથાણામાં મહિલા પેસેન્જર રિક્ષામાંથી ઉતરતાની સાથે ડ્રાઈવર પેસેન્જરની બેગ લઈને નાસી ગયો હતો. બેગમાં રૂ.૪.૫૩ લાખના ઘરેણાં હતા. આરોપી તો નહીં પકડાયો પરંતુ ચોરી થયેલો તમામ મુદ્દામાલ કબજે કરાયો હતો અને તેને ઝડપી લેવા માટેની તજવીજ હાથ ધરી હતી.
સરથાણા પોલીસમાંથી મળતી માહિતી અનુસાર, ભાવનગરમાં રહેતા ગીતાબેન જગદીશપુરી ગોસ્વામી ૭મી ફેબ્રુઆરીઍ સંબંધીઓની સાથે સુરત લગ્નમાં આવ્યા હતા. તેઓ લગ્ન પૂર્ણ કરી ૮ મીઍ પરત વતન જવાના હતા. તેઓ મોટા વરાછાથી રિક્ષામાં બેસીને રાત્રે સરથાણાના શ્યામધામ મંદિર પાસે ઉતર્યા હતા. તેઓ રિક્ષામાંથી ઉતરી વખતે બેગ લેતા હતા ને ડ્રઈવરે રિક્ષા સ્પીડમાં હંકારી નાસી ગયો હતો.બેગમાં ૧.૮૨ લાખ રૂપિયાનો સોનાનો હાર, ૫૦ હજાર રૂપિયાની કાનની બુટી, ૫૪ હજારનો સોનાનો માથાનો ટીકો, ૧.૪૫ લાખ રૂપિયાનું સોનાનું મંગળસૂત્ર તેમજ અન્ય ઘરેણાં મળી રૂ.૪.૫૩નો મુદ્દામાલ હતો.ગીતાબેને મોટા વરાછામાં રહેતા જમાઈ અક્ષયગીરી ગોસ્વામીને જાણ કરી હતી. તેઓઍ પોતાની રીતે રિક્ષા ડ્રાઇવરને શોધવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ન મળતા ગતરોજ અક્ષયગીરીઍ પોલીસ ફરિયાદ કરી હતી. જેને આધારે પોલીસે ચોરી થઈ તે વિસ્તારમાં તપાસ કરી હતી ઉપરાંત સીસી ફૂટેજ પણ ચેક કર્યા હતા.રિક્ષાવાળાઓને મળીને સોશિયલ સાઈટ પર મહિલાના થેલાનો ફોટો વાઈરલ કર્યો હતો. તેના કારણે પોલીસને માહિતી મળી હતી કે વ્રજ ચોક પાસે ક્રિષ્ણા નગર સોસાયટીમાં રહેતો સોનુ લલ્લારામ કુશ્વાહ પાસે આવો થેલો દેખાયો હતો, તે રિક્ષા ચલાવે છે અને બે દિવસ પહેલા પરિવાર સાથે વતન નીકળી ગયો છે. તે જ્યાં રહેતો હતો ત્યાં તપાસ કરતા તેનું મૂળ ગામ મલેલા, તા. શેપુ, જિલ્લો, ધોલપુર હોવાનું જણાયું હતું. તેથી સરથાણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ઍમ.કે.ગુર્જરે ઍક ટીમ સોનુના ગામ મોકલી હતી. તેને પણ અંદાજો આવી ગયો હતો કે પોલીસ આવે છે તેથી તે તેના વતનથી પણ નાસી ગયો હતો. પરંતુ તેના વતનથી તેના સંબંધીઓના ચોરી થયેલો તમામ મુદ્દામાલ પોલીસને આપી દીધો છે.