
ઉધના રેલવે યાર્ડમાં લોખંડની પ્લેટ લઈ જઈ રહેલા હેવી ટ્રેલરના ચાલકે નિલગીરી સર્કલ પાસે અજાણ્યા રાહદારી યુવકને કચડી નાંખ્યો હતો. યુવકને અડફેટમાં લીધા બાદ ટ્રેલરનો ચાલક ૫૦ ફુટ સુધી ઘસડી ગયો હતો. અકસ્માત બાદ લોકો રોષે ભરાયા હતા અને ટ્રેલરમાં તોડફોડ કરી હતી. બનાવની જાણ થતા લિંબાયત પોલીસ ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. જોકે મોડી રાત સુધી પોલીસ મૃતકની ઓળખ કરી શકી ન હતી.
નિલગીરી સર્કલ નજીક સોમવારે રાત્રે પગપાળા પસાર થતા ઍક આશરે ૩૦ વર્ષીય અજાણ્યા યુવકને ઉધના યાર્ડમાં ગુડ્સ ટ્રેનમાં લોડ કરવા માટે હજીરાથી સ્ટીલની પ્લેટ લઈ નીકળેલા ભારેખમ ટ્રેલરના ચાલકે અડફેટમાં લઈ કચડી નાંખ્યો હતો. ટ્રેલરનો ચાલક અજાણ્યા યુવકને ૫૦ ફુટ સુધી ધસડી જતા લોકો રોષે ભરાયા હતા અને ટ્રેલરમાં તોડફોડ કરી હતી.બનાવની જાણ થતા લિંબાયત પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઉશ્કેરાયેલા ટોળાને વિખેરીને કાર્યવાહી હાથ ધરી હતી.મૃતકના હાથ પર મહેશ
નામનું છુંદણું હોય મૃતક મહેશ નામની વ્યક્તિ હોવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે. બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.