સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા સંપૂર્ણ સહકારની ભાવનાથી દૂધ ઉત્પાદકોનું ધ્યાન રાખી અનેક ઐતિહાસિક નિર્ણયો કર્યા છે. સહકારીતાની ભાવના સાથે નફાની નહીં પરંતુ દૂધ ઉત્પાદકોને વધુને વધુ વળતર મળે તેવી ભાવના સાથે સમગ્ર નિયામક મંડળ કામ કરી છે. સુમુલ ડેરી સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકોની આર્થિક પ્રગતિ થાય તે હેતુથી દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા ૨૦નો ભાવ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સતત ખર્ચાળ બનતા જતા પશુપાલન વ્યવસાયને ટકાવી રાખવા, દૂધ ઉત્પાદકોને પ્રોત્સાહિત કરવા માટે સુરત અને તાપી જિલ્લાના ૨.૫૦ લાખ પશુપાલકોની માગણીને ધ્યાનમાં રાખીને સુમુલના ચેરમેન માનસિંહભાઈ પટેલ અને તેમના નિયામક મંડળ દ્વારા ગાય અને ભેંસના દૂધમાં કિલો ફેટે રૂપિયા ૨૦નો વધારો કરાયો હતો. જેમાં ગાયના ફેટમાં કિલોઍ રૂપિયા ૬૮૦ હતા. તે વધીને ૭૦૦ થઇ ગયા છે. જયારે ભેંસના કિલો ફેટે ૬૯૫ હતા. તેમાં રૂપિયા ૨૦ નો વધારો થતા રૂપિયા ૭૧૫ થઇ ગયા છે. આ ભાવ વધારો આજે ૧માર્ચ ૨૦૨૨થી લાગુ પડી ગયો છે.સુમુલના ચેરમેન માનસિંહભાઈ પટેલે જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી ખાણદાણના ભાવ, મજૂરીનો દર, ટ્રાન્સપોર્ટ સહિતની અનેક બાબતોમાં નોંધનીય રીતે ભાવ વધારો થયો છે. તેના કારણે પશુ પાલન કરવું ખૂબ જ મુશ્કેલ બની રહયું છે. આવા સમયે સુમુલ ડેરી બોર્ડ દ્વારા પશુપાલકોને રાહત થાય અને તેઓ આ ઉદ્યોગ સાથે સંકળાયેલા રહે તેવું ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લેવાયો છે. ખેડૂતોને પશુ પાલન કરવામાં સરળતા રહે માટે મોંઘવારીને ધ્યાનમાં રાખી ફેટ દીઠ રૂપિયા આજે મંગળવાર થી વધારો કરવામાં આવ્યો છે. જેનો લાભ લાખો ખેડૂતોને મળશે.