મહિલાઓને દાગીના ચમકાવી આપવાની વાત કરી કાકા-ભત્રીજા સહિતની ટોળકી પૈકી ઍસઓજીઍ બાતમીને આધારે ભત્રીજાને બાઇકના નંબર આધારે દિલ્હીગેટ પાસેથી પકડી પાડયો છે. જયારે સૂત્રધાર કાકા સહિત બે હજુ ફરાર છે.
આ ટોળકીઍ સુરતમાં થોડા દિવસો પહેલા રાંદેરમાં ૨ મહિલાઓને દાગીના ચમકાવી આપવાની વાત કરી ૧.૨૯ લાખની બંગડીઓ લઈ રફુચક્કર થયા હતા.ઉપરાંત વર્ષ ૨૦૨૧માં ઓગસ્ટ મહિનામાં મહિધરપુરામાં વૃદ્ધ દંપતીને દાગીના ચમકાવી આપવાની વાત કરી સોનાની ચેઇન લઈ ભાગી ગયા હતા. પકડાયેલા ઠગબાજનું નામ મોનુ વિજય ગુપતા છે અને તે કાકા સાથે ચીટીંગ કરતો હતો. મોનુ ગુપતા બાઇક બહાર બેસી વોચ રાખતો અને કાકા ઘરોમાં ઍકલ-દોકલ મહિલા હોય તેવા ઘરોમાં પહેલા તાળાં કે પછી અન્ય ચીજવસ્તુઓ ચમકાવી આપી બાદમાં મહિલાઓને વાતમાં નાખી સોનાની ચેઇન લઈ ભાગી જતા હતા.આ ટોળકીમાં ત્રીજો આરોપી પણ તેમના પરિવારનો વ્યકિત છે. જે ખાસ કરીને શહેરમાં ગીચ વિસ્તારોની સોસાયટીમાં તાંબા-પિત્તળના વાસણો ચમકાવવાનો પાવડર વેચવા નીકળી ઘરોની રેકી કરતો હતો. ઘરમાં વૃદ્ધ કે પછી ઍકલ-દોકલ મહિલાઓ હોય તેને ટાર્ગેટ કરતા હતા. મુખ્ય સૂત્રધાર આરોપી મોનુ ગુપતાના કાકા પકડાય તો ઘણા ગુનાઓ ઉકેલાય શકે અને સોનાના દાગીના પણ રિકવર થઈ શકે છે.