
વેસુમાં રૂમનો દરવાજો અંદરથી ખેંચી લેતા ઓટોમેટીક લોકના કારણે બાળક રૂમમાં ફસાઈ ગયો હતો. દરવાજો ખોલવાનો પ્રયાસ કરવા છતા ન ખુલતા પરિવારે ફાયરબ્રિગેડની મદદ લીધી હતી. આખરે ફાયરબ્રિગેડે સીડી વાટે પાછળની બાલ્કનીમાંથી અંદર પ્રવેશી બાળકને સહીસલામત રેસ્ક્યુ કરી પરિવારને સોંપ્યો હતો.
વેસુ વીઆઈપી રોડ રત્નકંચન ઍપાર્ટમેન્ટમાં રહેતા સુશિલકુમાર છોટેલાલ શર્મા ઍરપોર્ટ પર કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવે છે. મંગળવારે મહાશિવરાત્રી હોવાથી મંદિરે જવાની તૈયારી કરતા હતા. પરિવાર હજી મંદિરે જવા માટે નીકળે તે પહેલા જ ૨ વર્ષીય પુત્ર સ્વરાજે બેડરૂમનો દરવાજો અંદરથી ખેંચી લેતા લોક થયો હતો. જો કે, દરવાજો ઓટો લોક હોવાને કારણે અંદરથી લોક થઈ ગયો હતો. પરિવારે દરવાજો બહારથી ખોલવાનો પ્રયાસ કર્યો છતાં ન ખૂલતાં આખરે પરિવારે ફાયરબ્રિગેડની મદદ લીધી હતી.બનાવની જાણ થતા ફાયર ઓફિસર પ્રકાશ પટેલ સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઍપાર્ટમેન્ટની પાછળના ભાગેથી સીડી વાટે બીજા માળે રૂમની પાછળની બાલ્કનીમાંથી રૂમની અંદર પ્રવેશ્યા હતા અને માસુમ સ્વરાજને સહીસલામત રેસ્ક્યુ કરી પરિવારને સુપ્રત કર્યો હતો. પરિવારે ફાયર ટીમનો આભાર માન્યો હતો.