
સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા હીરા વેપારીની પત્નીઍ ત્રણ વર્ષની પુત્રીને સીરીયલ અને ફિલ્મોમાં કામ કરાવવાની લાલચમાં ૩.૧૦ લાખ ગુમાવ્યા હતા. સાયબર ક્રાઈમ પોલીસે આ ઠગને મધ્યપ્રદેશના ગ્વાલિયરથી ઝડપી પાડ્યો છે.
તારગામ ડી.ઍમ. પાર્ક સોસાયટીમાં રહેતા ચિંતનભાઇ રમેશભાઇ નાવડીયા કતારગામ ગોટાલાવાડી બજરંગ કોમ્પલેક્ષમાં હીરાનો વેપાર કરે છે. તેમના પત્ની તોરલબેનને ઍક માત્ર પુત્રી મિસ્યાને સીરીયલ અને ફિલ્મોમાં કામ કરાવવાની ઈચ્છા હોય તે ફેસબુક પર કિડ્સ કાસ્ટીંગ અપટેડ્સ નામના ગ્રુપમાં જોડાયા હતા. દરમિયાન, ગત ૭ જાન્યુઆરીના રોજ નિધિ કપૂર નામની આઈડી પરથી ઍક અપડેટ તે ગ્રુપમાં મૂક્યું હતું કે કાસ્ટીંગ ફોર ઍમેઝોન પ્રાઈમ અને તેમાં તેનો નંબર લખ્યો હતો. આથી તોરલબેને તેને વ્હોટ્સઍપ મેસેજ કરી વાત કરતા નિધિઍ સૌરવ શ્રીવાસનો કોન્ટેક્ટ કરવાનું કહી તેનો નંબર આપ્યો હતો. તોરલબેને સૌરવ શ્રીવાસનો ફોન પર સંપર્ક કરતા તેણે પોતાની ઓળખ કાસ્ટીંગ ક્રિઍટીવ હેડ તરીકે આપી તોરલબેનની પુત્રીના ફોટા મંગાવ્યા હતા. બાદમાં ફોન કરી સબ ટીવી પર નાના છોકરાઓનો પ્રોગ્રામ આવવાનો છે તેમાં તમારી છોકરીને સિલેક્ટ કરી છે. કહી અલગ અલગ ચાર્જ પેટે ૩.૧૦ લાખ પડાવ્યા હતા. બાદમાં તેની સાથે છેતરપિંડી થઈ હોવાનું ધ્યાને આવતા સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી સૌરવ મહેશ રાજારામ શ્રીવાસને ઝડપી પાડ્યો હતો. આરોપી મધ્યપ્રદેશમાં લોકલ ચેનલમાં પત્રકાર હોવાનું જાણવા મળ્યું છે. આરોપીની વધારે પુછપરછ હાથ ધરાઈ છે.