
રિંગરોડ સહારા દરવાજા નજીક ન્યુ ટેક્સટાઈલ માર્કેટમાં કાપડની દુકાન ધરાવતા ઍક વેપારીને ત્યાં નોકરી કરતા પરિચિત યુવકે રૂ. ૧૪.૦૫ લાખથી વધુની મત્તાની ઉચાપત કરી હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોધાઈ છે.
યુપીના ગાજીયાબાદ જિલ્લાના સાહીબા બાગના વતની અને હાલ પૂણા-કુંભારિયા સિટીઝન હાઈટ્સમાં રહેતા અમિતકુમાર સુરેન્દ્રચન્દ્ર રૂસ્તગી સહારા દરવાજા ન્યુ ટેક્સટાઈલ માર્કેટમાં શ્રી વૈષ્ણવ ટેક્સ ફેબ અને સારોલી લેન્ડમાર્કમાં ક્રિષ્ણા ક્રિઍશન નામથી કાપડની પેઢી ધરાવે છે. ૨૦૨૧માં અમિતકુમારના મામાની દીકરી સોનમ રૂસ્તગીના કહેવાથી તેના સગા દીયર અભિષેક મહેશચંદ્ર રૂસ્તગીને નોકરીઍ રાખ્યો હતો. અમિતકુમારે તેને સારોલી, લેન્ડમાર્ક, ક્રિષ્ણા ક્રિઍશનની પેઢી પર નોકરી પર રાખી તમામ કામકાજની સોપણી કરી હતી. અભિષેકે ઈમાનદારીથી કામ કરી અમિતકુમારનો વિશ્વાસ જીતી લીધો હતો. જેથી અમિતકુમારે તેને સહારાદરવાજા ન્યુ ટેક્સટાઈલ માર્કેટમાં આવેલી શ્રી વૈષ્ણવ ટેક્સ ફેબ નામની પેઢીનો કામકાજ સોપ્યો હતો. ત્યાં તમામ લે-વેચ અને પૈસા તથા બેકની તમામ જવાબદારી તેને આપી દીધી હતી. અભિષેકે આ વિશ્વાસનો ગેરલાભ ઉઠાવી પેઢીના ખાતામાંથી રોકડા રૂ. ૪.૪૬ લાખ, ડ્રેસ કાપડના રૂ. ૬.૯૮ લાખ અને વિવિધ પાર્ટીઓ પાસેથી રૂ. ૧.૬૦ લાખ મળી કુલ રૂ. ૧૪.૦૫ લાખથી વધુની મતાની ઉચાપત કરી હતી. અભિષેકે આ તમામ રકમ લીધા બાદ તા. ૨૧ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ તે અમિત કુમાર પાસે ગયો હતો. ઉત્તર-પૂર્વ દિલ્હી, ભજનપુર સ્થિત મૌજપુરના વિજય પાર્કમાં રહેતી માતા બીમાર હોવાનું કહી દુકાનની ચાવી આપીને તે વતન જતો રહ્ના હતો. ત્યારબાદ અમિતકુમાર ન્યુ ટેક્સટાઈલ માર્કેટમાં પોતાની દુકાને ગયા હતાં અને કંપનીનો હિસાબ ચેક કરતાં તેમા ગોટાળો સામે આવ્યો હતો. અમિત કુમારે તમામ વહેવારો અને તેમની પાર્ટીઓનો સંપર્ક કરતા કુલ રૂ. ૧૪.૦૫ લાખની ઉચાપત કરી અભિષેક નાસી છૂટ્યો હોવાનું સામે આવ્યું હતું. અમિતકુમારે અભિષેકનો સંપર્ક કરતા તેણે નાણાં આપવાના બદલે હવે પછી પૈસાની ઉઘરાણી કરશો તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી અમિતકુમાર છેવટે સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.