સુરત માનવ સેવા સંઘના નેજા હેઠળની સેવાભાવી સંસ્થા છાંયડો આર્થિક રીતે પછાત દર્દીઓની રાહત દરે સારવારના હેતુને ઍક કદમ આગળ લઈ જતાં હવે મલ્ટિસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ શરૂ કરવા જઈ રહી છે.
અલથાણમાં શ્યામ ખાટુ મંદિરની નજીક શહેરના જાણીતા હોજીવાલા પરિવાર દ્વારા દાનમાં મળેલી ૨૩૦૦ ચોરસ વાર જમીનમાં ૧ લાખ ચોરસ ફૂટ બાંધકામ સાથે ૧૦૦ બેડની હોસ્પિટલ બે વર્ષમાં બનાવવાનો સંકલ્પ છાંયડોના પ્રમુખ ભરત શાહે વ્યક્ત કર્યો છે. આ સ્વ પદ્માબેન હસમુખલાલ હોજીવાલા મલ્ટિસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ભૂમિપૂજન રવિવારે સવારે ૧૦ કલાકે સ્વામીનારાયણ સંપ્રદાયના સંત જ્ઞાનવસ્તસ્લ સ્વામીના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે કેન્દ્રના મંત્રી મનસુખ માંડવીયા, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉપસ્થિત રહેશે.સંસ્થાના પ્રમુખ ભરત શાહે હોસ્પિટલની ખાસિયતો જણાવતાં કહયું કે, આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ૫૦ કરોડ છે. બાંધકામ, અત્યાધુનિક મેડિકલ ઉપકરણો, ઓક્સિજન પ્લાન્ટ, આઈસીયુ-ઍનઆઈસીયુ સહિતની સેવાઓ દર્દીઓને રાહત દરે મળશે. આખોય પ્રોજેક્ટ દાતાઓના દાનથી પાર પાડવામાં આવનાર છે. શહેરીજનો પણ આ સેવા કાર્યમાં પ્રતિ ચો.ફૂટ ૨૫૦૦નું દાન કરી જોડાઈ શકશે.