
સલાબતપુરામાં રતન સિનેમા પાસે આવેલા અજંતા શોપિંગ સેન્ટરમાં પોલીસે દરોડા પાડી આઇફોનની ડુપ્લિકેટ ઍસેસરિઝ વેચવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે કોપીરાઇટ ઍક્ટ અન્વયે ગુનો નોંધી ચાર દુકાનદારોની ધરપકડ કરી કુલ્લે રૂપિયા ૩.૮૭ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
અમદાવાદના મણિનગર ખાતે રહેતા વિશાલસિંહ જાડેજા ગ્રીફીર્ન ઇન્ટેલઍચ્યુઅલ પ્રો. સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મેનેજર છે. તેમની કંપનીને અલગ અલગ બ્રાન્ડેડ કંપનીની જેમ ઍપ્પલ કંપનીની પણ ટ્રેડમાર્ક અને કોપીરાઇટના હક્કો માટે ઓથોરિટી મળી છે. જે અંતર્ગત તેઓને ફરિયાદ મળી હતી કે, સુરતમાં રિંગરોડ પાસે રતન સિનેમા નજીક આવેલા અજંટા શોપિંગ સેન્ટરની દુકાનોમાં ઍપલની નકલી ઍસેસરિઝનું ધૂમ વેચાણ થઇ રહયું છે. જે માહિતીને આધારે સલાબતપુરા પોલીસને સાથે રાખી અહીં દરોડા પડાયા હતા. જ્યાં ઍ ટુ ઝેડ મોબાઇલ ઍસેસરિઝ, ઍ-૧ મોબાઇલ ઍસેસરિઝ, વેરાઇટ મોબાઇલ અને કવર ગેલેરી નામની દુકાનોમાં પોલીસે દરોડા પાડ્યા હતા. અહીંથી પોલીસે ઍપલ કંપનીના સિમ્બોલવાળા બેક કવર, યુઍસબી કેબલ, ઍડપ્ટર, હેન્ડ્સ ફ્રી, ઍરપોડ, ડોક વિગેરેનો મોટો જથ્થો કબ્જે લીધો હતો.સલાબતપુરા પોલીસે કોપીરાઇટ ઍક્ટ અન્વયે ગુનો નોંધી ૩.૮૭ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પોલીસે ચારેય દુકાનના માલિકો રિઝવાન યાસીન વોરા,સાજીદ યાસીન વોરા,પ્રવિણ વિમલ કાનુગા અને આમીન ઇનાયત મન્સૂરીની ધરપકડ કરી હતી.