સુરત મહાનગરપાલિકા દ્વારા વાર્ષિક ટારગેટ પૂરો કરવા માટે માર્ચ ઍન્ડિંગ સુધી બીયુસી સર્ટિફિકેટ ન હોય તેવી મિલકતોને સીલ કરવા માટે શરૂ કરેલ ઝુંબેશમાં રહેણાંક મકાનો અને કોમર્શિયલ મિલકતોની સાથેસાથે મેડિકલ સ્ટોર અને સામાજિક સંસ્થાની કચેરીને પણ સીલ લગાવી દેતાં વિવાદ ઊભો થયો છે.
સોની ફળિયા ખાતે આવેલ શ્રી જિનાજ્ઞા સેવા ટ્રસ્ટ અને હર્ષ મેડિસિન નામની દવાની દુકાનને પણ બીયુસી નહીં હોવાના બહાના હેઠળ મહાનગરપાલિકા દ્વારા સીલિંગ કરી દેવામાં આવી છે. કોરોનાકાળમાં સુરત શહેરમાં સોની ફળિયાની જિનાજ્ઞા સેવા ટ્રસ્ટ દ્વારા મહાનગરપાલિકા સાથે મળીને ખુબ જ પ્રશંસનીય સેવા કરવામાં આવી હતી અને હાલમાં પણ આ ટ્રસ્ટ દ્વારા પ્રજાકીય સેવા પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે, પરંતુ મહાનગરપાલિકા દ્વારા માર્ચ ઍન્ડિંગનો ટાર્ગેટ પૂરો કરવા માટે જિનાજ્ઞા સેવા ટ્રસ્ટ અને તેની બાજુમાં આવેલી હર્ષ મેડિકલ સ્ટોરને પણ સીલિંગ કરી દેતા લોકોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેર ઉપરાંત સેન્ટ્રલ ઝોનમાં આવેલી અનેક મિલકતોમાં બીયુસી નથી પરંતુ પાલિકાના ભ્રષ્ટ કર્મચારીઓ દ્વારા બિલ્ડરોની મિલીભગત હોવાના કારણે આવી મિલકતોને સીલ કરવાના બદલે નાના દુકાનદારો અને સામાજિક સંસ્થાઓને નિશાન બનાવી રહ્ના હોવાનો આક્ષેપ જિનાજ્ઞા સેવા ટ્રસ્ટનાં હોદ્દેદાર પિયુષ શાહે કર્યો હતો.