ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના જન્મદિને વોર્ડ નંબર ૧૭ (પુણા)ના ભાજપના કોર્પોરેશનના હારેલા ઉમેદવારે ૨૬ હજાર જેટલા આયુષ્માન કાર્ડથી સી.આર.પાટીલની “તુલા” કરતા વિવાદ થયો છે. ભાજપમાં જ ગણગણાટ સાંભળવા મળ્યો હતો કે, હારેલો ઉમેદવાર ઍકસાથે આટલા બધા આયુષ્માન કાર્ડ ક્યાંથી લઈ આવ્યો? આ બાબતે જ્યારે તપાસ કરાઈ તો ખબર પડી કે, તુલા કરાવનાર આ ભાજપી નેતા ૩-૪ મહિનાથી લોકો પાસે આયુષ્માન કાર્ડ અપાવવા માટે ફોર્મ ભરાવી રહયા હતા અને જે કાર્ડ ઇશ્યુ થતા હતા તે લોકોને આપવાને બદલે પોતાના જ કબજામાં રાખતા હતા.કાર્ડની સંખ્યા ૨૬ હજાર સુધી પહોંચી ગઈ ત્યારે સી. આર. પાટીલને વ્હાલા થવા માટે તેમને ભાજપ કાર્યાલય ઉપર ૨૬ હજાર કાર્ડ સાથે સી.આર.પાટીલની તુલા કરી હતી.
સુરત કોર્પોરેશનની ગત ચૂંટણીમાં પાટીદાર વિસ્તારના ગઢ ગણાતા ઍવા વરાછા, પુણા, કાપોદ્રા, સરથાણા અને મોટા વરાછામાં ભાજપના ઉમેદવારો હારી ગયા હતા. જેમાંથી ઍક પુણા વોર્ડ નંબર ૧૭ના ભાજપના ઉમેદવાર ભરત વાડોદરિયાને પણ “આપ”ના ઉમેદવારે હરાવી દીધા હતા. લોકો સાથે જનસંપર્ક ખૂબ જ સારો છે, તેવું ભાજપ સંગઠનમાં પ્રસ્થાપિત કરવા માટે હારેલા ભાજપી નેતા કઈ હદ સુધી જઈ શકે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.૨૬ હજાર જેટલા લોકોને કે જેમને સરકાર દ્વારા આયુષ્માન કાર્ડ ઍલોટ કરવામાં આવ્યા હતા તે કાર્ડ ભરત વાડોદરિયાઍ મહિનાઓ સુધી પોતાની પાસે જ રાખી મૂક્યા હતા. આ તમામ લોકોને જ્યારે કાર્ડની જરૂર પડી હશે ત્યારે કદાચ તેઓ તેનો ઉપયોગ પણ કરી શક્યા ન હશે. ફક્ત ને ફક્ત ઉચ્ચ નેતાઓ સમક્ષ પોતાની કામગીરી દેખાડવા માટે હજારો લોકોને સરકાર દ્વારા અપાતી સ્વાસ્થ્યની સુવિધાથી વંચિત રાખવામાં આવ્યા હતા. જેના કારણે લોકોમાં પણ છુપો રોષ જોવા મળી રહયો હતો.