
આવકના નવા સ્ત્રોત ઊભા કરવાની સાથે માતબર ખર્ચાળ પ્રોજેક્ટમાં જનભાગીદારી મેળવવા માટે પ્રયત્નશીલ સુરત મહાનગરપાલિકાઍ ભેસ્તાન, ઉગત અને ડીંડોલી સ્થિત નવનિર્મિત ફ્લોરલ ગાર્ડન સહિતના બાગોનો નિભાવ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ ધોરણે સોંપી દીધા બાદ હવે કતારગામના કાંસા નગર સ્થિત શ્યામા પ્રસાદ લેક ગાર્ડનને ખાનગી ઍજન્સીને સોંપવા ઓફર મંગાવી હતી. જેમાં પ્રતિ વર્ષ ૧૧.૧૧ લાખની સૌથી વધુ બીડ સાથે ટેન્ડર રજુ કરાયાં હતાં. આ અંગે આગામી શનિવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે.
કોરોના કાળમાં માતબર ખર્ચો થયા બાદ સુરત મહાનગરપાલિકાને કેટલાક આઇકોનિક પ્રોજેક્ટ પણ પડતા મુકવા પડ્યા છે. ઍટલું જ નહીં પણ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટમાં કેવી રીતે નવી આવકો શોધી શકાય તેના આયોજનો નક્કી કરવામાં આવી રહ્નાં છે. આ પ્રક્રિયા માટે વિશેષ કમિટીનું પણ ગઠન કરાયું છે. શાસકોઍ ૧૦ હજાર ચોરસ મીટરથી વધુ ક્ષેત્રફળ ધરાવતા બાગને જનભાગીદારીના ધોરણે સોપી તેમાંથી પણ વર્ષે આવક ઊભી કરવાની યોજના હેઠળ ભેસ્તાન, ઉગત અને ડીંડોલીના ફ્લોરલ ગાર્ડન સહિતના બાગ ખાનગી ઍજન્સીને સોપ્યા બાદ ગુરૂવારે કતારગામના કાંસા નગર સ્થિતિ શ્યામા પ્રસાદ લેક ગાર્ડનને પણ આગામી ૧૦ વર્ષ માટે પીપીપી ધોરણે સોપવા ઓફર મંગાવી હતી.પાલિકાઍ નક્કી કરેલી ડિઝાઇન મુજબ શ્યામા પ્રસાદ લેક ગાર્ડનનું ડેવલપમેન્ટ અને સંચાલન કરવા માટે સૌથી વધુ ૧૧.૧૧ લાખ રૂપિયા પ્રતિવર્ષે પાલિકાને આપવાની ઓફર મળી હતી. પાલિકા દર વર્ષે આ બાગના નિભાવ પાછળ ૨૫.૩૭ લાખ જેટલો ખર્ચ કરી રહી હતી. લોકભાગીદારી હેઠળ બાગની સોપણી બાદ પાલિકાને આ ખર્ચમાંથી મુક્તિ મળશે. પીપીપી ધોરણે લેક ગાર્ડન સોપવા માટે આગામી નિર્ણય લેવાશે.જનભાગીદારીથી વિવિધ બાગ-બગીચાઓનું નિભાવ ખાનગી ઍજન્સીઓને સોંપી દેવાયા બાદ સુરત મહાનગર પાલિકાની તિજોરી પર આર્થિક ભારણ ઓછુ થયું છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પટેલે જણાવ્યું કે, શહેરના ૧૦ હજાર ચોરસ મીટરથી મોટા બાગ બગીચાના નિભાવ કરવામાં પાલિકાને માતબર ખર્ચ ભોગવવો પડતો હોવાથી પબ્લિક પાઈવેટ પાર્ટનરશીપ યોજના આર્શીવાદ સમાન સાબિત થશે. ઍટલું જ નહીં પણ આગામી સૂચિત વર્ષો સુધી ખાનગી ઍજન્સી તે બાગ પેટે પાલિકાને વળતર રકમ ચૂકવશે.