
કતારગામ વિસ્તારમાં છૂટાછેડા અને પુત્રને સાથે રાખવા બાબતે પતિઍ ત્રણ ગોળી મારતા ગંભીર ઈજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન નવી સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. ફાયરીંગ કરનાર પતિની બિહારમાં પોલીસે દારૂના ગુનામાં ધરપકડ કરી છે. આથી કતારગામ પોલીસ હવે હત્યાની કલમનો ઉમેરો કરી તેનો ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવશે.
કતારગામ વિસ્તારમાં ગત ૨૩ ફેબ્રુઆરીની મોડીરાત્રે અલગ રહેતી પત્ની ટીના પર પતિ અખીલેશકુમાર મૌલેશ્વરપ્રસાદ સીંગઍ બાળકોની સામે જ ત્રણ ગોળી મારતા ટીનાને છાતી, પેટ, કોણી અને ઘૂંટણમાં ઇજા થઈ હતી. ૧૬ વર્ષ અગાઉ પ્રેમલગ્ન બાદ પાંચ વર્ષથી પતિથી અલગ રહેતી ટીનાને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. છૂટાછેડા અને પુત્રને સાથે રાખવા બાબતે ટીના સાથે અવારનવાર ફોન પર ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતો અખીલેશ ફાયરીંગ કરી ફરાર થઈ જતા કતારગામ પોલીસે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.દરમિયાન, નવી સિવિલ હોસ્પિટલમાં ગંભીર સ્થિતિમાં દાખલ ટીનાનું ઘટનાના ત્રણ અઠવાડીયા બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અખીલેશની ધરપકડ માટે તજવીજ કરી રહેલી કતારગામ પોલીસ અઠવાડીયા અગાઉ તેને શોધવા બિહાર ગઈ હતી ત્યારે સ્થાનિક પોલીસે તેની દારૂના ગુનામાં ધરપકડ કરી હતી. ટીનાના મોતને પગલે કતારગામ પોલીસ હવે હત્યાની કલમનો ઉમેરો કરી અખીલેશનો ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવશે. વધુ તપાસ પીઆઈ બી.ડી.ગોહિલ કરી રહયા છે.