
સુરતના વરાછા મારૂતિચોક ભરતનગર સોસાયટીમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર વરાછા પોલીસે ગતસાંજે રેઈડ કરી ચાર ગ્રાહકને ઝડપી પાડી ચાર લલનાને મુક્ત કરાવી હતી. સ્પાની આડમાં કુટણખાનું માથાભારે રામચંદ્ર સ્વાઈની પત્ની ભારતી અન્ય ઉડીયા યુવાન સાથે ચલાવતી હોય પોલીસે તે બંનેની તેમજ દુકાનમાલિકની પણ ધરપકડ કરી હતી.
પોલીસ કંટ્રોલ રૂમના મેસેજના આધારે વરાછા પોલીસે ગતસાંજે મારુતિચોક પાસે ભરતનગર સોસાયટીના પ્લોટ નં.૧૧૭ ના પહેલા માળે અનમોલ સ્પામાં રેઈડ કરી ત્યાંથી શરીર સુખ માણવા આવેલા ચાર ગ્રાહકોને પોલીસે ઝડપી પાડ્યા હતાં. પોલીસે પૂછપરછ કરતાં અમરોલી જિલ્લાના સાવરકુંડલાના લીખાળા ગામના વતની અને હાલ ન્યુ કોસાડ રોડ, રઘુવીર સોસાયટીમાં રહેતો ૨૨ વર્ષીય મેહુલ હિંમતભાઇ ચુડાસમા, ઓરિસ્સા, ગંજામ જિલ્લાના વતની અને હાલ કતારગામ જૂની જીઆઈડીસીમાં રહેતા ૨૦ વર્ષીય અશોક સોનીયા ખુટીયા અને ૧૯ વર્ષીય કાના વિક્રમ પરીડા અને ઓરિસ્સા ગંજામ જિલ્લાના વતની અને હાલ લસકાણા ગામમાં રહેતો ૨૭ વર્ષીય પિતાબાસ દધીભાઇ બરડ હોવાનું જણાવ્યું હતું અને લલના સાથે ચારેય જણાં રંગેહાથ પકડાઈ ગયા હતાં.
પોલીસે ચારેય લલનાને મુક્ત કરાવી ઉડિયા યુવાન અને અમરોલી માનસરોવર સર્કલ, ગણેશ ઍપાર્ટમેન્ટમાં રહેતા ૩૬ વર્ષીય રતીકાંત હરીક્રિષ્ના જૈના સાથે સ્પાની આડમાં કુટણખાનું ચલાવતી અને કાપોદ્રા રત્ના સર્કલ પાસે રામકૃપા સોસાયટીમાં રહેતી માથાભારે રામચંદ્ર સ્વાઇની પત્ની ૩૦ વર્ષીય ભારતી અને રતીકાંતની પણ ધરપકડ કરી તેમની પાસેથી રોકડા રૂ.૧૭,૪૫૦, રૂ. ૫૨ હજારની કિંમતના ૭ મોબાઈલ ફોન મળી કુલ રૂ.૬૭,૪૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો તેમજ ભાવનગર પાલીતાણા તાલુકાના વતની અને હાલ વરાછા મારૂતિ ચોક સ્થિત બાલાજી સોસાયટીમાં રહેતો અને દુકાન ભાડે આપનાર મનોજ નાગજીભાઇ માવાણીની પણ ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.