
સુરતમાં છેલ્લાં કેટલાંક મહિનાઓથી મધ્યરાત્રિ દરમિયાન પરપ્રાંતીય ઈસમો ગેરકાયદેસર રીતે તાપી નદીમાં ઝેરી કેમિકલ નાંખી નાની માછલીઓ પકડતાં હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. જેને પગલે રાંદેર, જહાંગીરપુરાના માંડવી ઓવારા પાસેથી માછીમાર સમાજનાં જાગૃત યુવાનોઍ મધ્યરાત્રિના અરસામાં વોચ ગોઠવી નદીમાં નાની જાળી નાંખી માછીમારી કરી રહેલા પાંચ બિહારી ઈસમોને પકડી રાંદેર પોલીસના હવાલે કરી દીધા હતાં.
રાંદેર જહાંગીરપુરા વિસ્તારના માછીમાર સમાજનાં યુવાનો છેલ્લાં કેટલાંક દિવસોથી વોચમાં રહીને મધ્યરાત્રિના ૧૦ વાગ્યા બાદ પછી લોકોની નજરથી બચવા માટે ગેરકાયદેસર રીતે તાપી નદીમાં નાવડી તેમજ નાની જાળી નાંખી નાની માછલીઓ પકડતાં ઍવા પાંચ બિહારી ઈસમોને ઝડપી પાડ્યા હતાં. માછીમારોનાં જણાવ્યા મુજબ, નાના જાળથી અને નદીમાં કેમિકલ નાંખી કરવી ઍ ગુનો બને છે અને સરકારના નિયમ મુજબ પરપ્રાંતીય લોકો ગુજરાતમાં માછીમારી કરી શકતા નથી. તેમ છતાં પણ બિહારનાં ઈસમો ગેરકાયદેસર રીતે નદીના પાળા પર રહી મધ્યરાત્રિના અરસામાં નદીમાં ઝેરી કેમિકલ નાંખી નાની માછલીઓ પકડતા રહે છે. આ અંગે રાંદેર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.