૨૩મી માર્ચના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય હવામાનશાસ્ત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે. ભારતમાં પણ બુધવારે હવામાનશાસ્ત્ર દિનની ઉજવણી કરાશે. ત્યારે ભારતમાં અદ્યતન ટેક્નોલોજી અને અનુભવના સમન્વયથી હવામાનની આગાહી મહદઅંશે સચોટ બની છે. ગુજરાતમાં પણ ગરમી, ઠંડી અને વરસાદની જે આગાહી કરવામાં આવે છે તે મોટાભાગે સાચી પડી રહી છે. આ આગાહી સાચી પડવા પાછળ ટેક્નોલાજીનો આવિષ્કાર અને અનુભવનો સૌથી મોટો ફાળો છે. કેમકે ભારતમાં ટેક્નોલોજી વિકસવા સાથે આબોહવા વિષે અનુભવો થતા ગયા તેના ડેટાના આધારે સચોટ આગાહી કરવાનું અનુકૂળ થયું છે.
ખાસ કરીને સુરતની વાત કરીઍ તો વરસાદની સિઝનમાં ઉકાઈ ડેમના કેચમેન્ટ, બ્લાઇન્ડ કેચમેન્ટ અને નીચેના વિસ્તારમાં પડતાં વરસાદની માહિતી મેળવવા રેઈનગેજ સ્ટેશન ઊભા કરાતા ડેમમાં ઠલવાતા પાણીની સચોટ માહિતી મેળવવું સરળ બન્યું છે. ઉકાઈ ડેમમાં ટેસ્લાથી લઇને સુરત સુધીના ૭૨૪ કિલોમીટર વિસ્તારનું પાણી તાપી નદીમાં ઠલવાય છે, હવે ડેમ ઓવરફ્લો થતાં પાણી છોડવું પડે છે, પરંતુ ટેસ્લાથી ઉકાઈ ડેમ સુધી ઊભા કરાયેલા ૪૦થી ૪૫ રાઈનગેજ સ્ટેશનને લીધે છેલ્લા ઘણા વર્ષોથી કેચમેન્ટમાં વરસાતા વરસાદની સચોટ માહિતી મળી રહી છે. આ રેઈનગેજ સ્ટેશન પર સેન્ટ્રલ વોટર કમિશન બાજ નજર રાખે છે. તેમજ ચોમાસાની સિઝનમાં વરસાદ અને પાણીની આવક પર બાજ નજર રાખી દર કલાકે વરસાદ અને પાણીનો ડેટા ભેગો કરી પાણી સંગ્રહ કરવા અંગે નક્કી કરે છે. આ સચોટ માહિતીને કારણે જ ૨૦૦૬ પછી સુરતે પૂરનો સામનો કરવો પડ્યો નથી.