ડિંડોલીમાં વીજ કરંટથી મહિલાનું મોત નીપજવાના કેસમાં નાયબ ઍન્જિનિયર અને ડિંડોલી પોલીસના જવાબદાર અધિકારી સહિત ૪ સામે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવતા કોર્ટ ૬૦ દિવસમાં રિપોર્ટ કરવા ડિંડોલી પોલીસ ને આદેશ કર્યો છે.
કેસની વિગત મુજબ, ૨૦૨૧માં ગણેશ વિસર્જનના દિવસે ૧૯ સપ્ટેમ્બરે મધુબેન નવીનભાઈ રાઠોડનું વીજ કરંટ લાગવાથી અવસાન થયું હતું. આ કેસમાં જવાબદાર વીજ કંપનીના અધિકારીઓ સામે ગુનો દાખલ કરવાના બદલે ડિંડોલી પોલીસે અન્ય વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી.જેથી મૃતક મધુબેનના પુત્ર પિલેશ નવીનભાઈ રાઠોડઍ ઍડવોકેટ અશ્વિન જે જોગડીયા મારફત અત્રેની કોર્ટમાં જવાબદારો સામે સાપરાધ મનુષ્ય વધ અને પુરાવાનો નાશ કરવા સહિતની કલમો હેઠળ ફરિયાદ કરી છે. જેમાં તેમણે લેખિતમાં રજૂઆત કરી હતી કે, ડાહ્નાભાઈ આહીર નામની વ્યક્તિ લંગરિયા નાખી વીજ ચોરી કરતા હતાં અને તેમાં સ્પાર્ક થતાં વીજ વાયર તૂટીને નીચે પતરા ઉપર પડ્યો હતો અને તેમાંથી કરંટ લાગતા મધુબેનનું અવસાન થયુંં હતું. મધુબેનનું મૃત્યુ નિપજયા બાદ વીજ કંપનીના કર્મચારીઍ થાંભલા પરથી લંગરિયાનો વાયર રફે દફે કરી દીધો હોવાનો આક્ષેપ પણ તેમણે કોર્ટ ફરિયાદમાં કર્યો હતો.વીજચોરી બાબતે વીજ કંપની નો સ્ટાફ પણ જવાબદાર હોય તેમણે ડાહયા ભાઈ આહીર ઉપરાંત, ડિંડોલી સબ સ્ટેશનના નાયબ ઇજનેર , વીજ થાંભલામાંથી વીજ વાયર રફે દફે કરી પુરાવાનો નાશ કરનાર કર્મચારી તથા જવાબદારો સામે ગુનો દાખલ ન કરનાર ડિંડોલી પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીને આરોપી બનાવવા કોર્ટ ફરિયાદ કરી છે. આ કેસમાં ફરિયાદ પક્ષની દલીલ સાંભળ્યા બાદ ડિંડોલી પોલીસ સ્ટેશનના જવાબદાર આમલદારને ૬૦ દિવસમાં રિપોર્ટ રજૂ કરવા કોર્ટે આદેશ કર્યા છે.