
માતા-પિતાની ઍક સતર્કતા અને સમજણના કારણે ખોવાયેલા બાળકનું પરિવાર સાથે મિલન થયું છે. માનસિક દિવ્યાંગ બાળકના ઍક હાથે મા-બાપે ટેટૂ ચિતરાવ્યું હતું અને તેમાં મોબાઈલ નંબર લખાવ્યો હતો. પંજાબના લુધિયાણાથી થોડા દિવસ અગાઉ બાર વરસનો બાળક ગુમ થયો હતો. પોલીસે હાથ પર છુંદણા રૂપે (ટેટૂમાં) લખાયેલા મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરતા તે નંબર તેના પિતાનો જ હોવાનું માલૂમ પડ્યું હતું. ત્યારબાદ પિતાને પોલીસે તમામ હકીકતો જણાવી હતી. પિતાઍ પોલીસને તેના રહેતા સંબંધી અંગેની માહિતી આપી હતી, જે સુરતના સિંગણપુર વિસ્તારમાં રહેતા હતા. ત્યારબાદ પોલીસે સિંગણપુર ચાર રસ્તા પર રહેતા સંબંધીને ફોન કરીને બોલાવતા બાળકનો કબજો તેને સોંપ્યો હતો.
ટ્રાફિક ઍસીપી બી.ઍન. દવેઍ જણાવ્યું હતું કે, બાળક મંદબુદ્ધિનું પણ હતું અને બોલી પણ નહોતું. જેને કારણે બાળક ક્યાંથી આવ્યો છે અને કેવી રીતે આવ્યો છે તે અંગે કોઈ માહિતી મળી રહી ન હતી. પરંતુ કદાચ પોતાના બાળકની માનસિક સ્થિતિને જોતા પિતા તેના હાથ ઉપર તેનો મોબાઈલ નંબર લખી દીધો હતો અને તેના કારણે તેમનો સંપર્ક થઈ શક્યો હતો. પિતાના જણાવ્યા પ્રમાણે સુરતમાં રહેતા તેના સંબંધીઓને બોલાવીને બાળકનો કબજો તેમને સોંપી દીધો હતો.બાળક નીતિશકુમારના પિતાઍ જણાવ્યું હતું કે, તે વારંવાર ગુમ થઈ જાય છે. અત્યાર સુધી આઠ વખત ગુમ થઈ ગયો છે. નીતિશકુમારની માનસિક સ્થિતિ સારી ન હોવાને કારણે અત્યાર સુધીમાં ઉત્તરાખંડ, ભોપાલ, ઝારખંડ, કોલકાતા વગેરે અલગ-અલગ રાજ્યોમાં પહોંચી ગયો છે. અમે બાળકની આ સ્થિતિ સમજી શકતા હતા અને તેના કારણે તેના હાથ ઉપર મોબાઈલ નંબર લખી દીધો છે. જેથી કરીને તે કોઈ પણ અજાણી જગ્યા ઉપર પહોંચી જાય તો લોકો મોબાઈલ નંબર વાંચીને ફોન કરી દેતા હોય છે, અત્યારે પણ ઍ જ પ્રકારે છેલ્લા ૮ દિવસથી તે પંજાબથી ગુમ થઈ ગયો હતો. અમે તેને શોધી રહયા હતા, પરંતુ તે સુરત પહોંચી ગયો હોવાનું જાણવા મળ્યું છે. તેના હાથ ઉપર લખેલા મોબાઈલ નંબરથી સુરત ટ્રાફિક પોલીસે અમારો સંપર્ક કર્યો હતો અને મેં તેમને મારા સુરતમાં રહેતા સંબંધો વિશે માહિતી આપતો. અત્યારે ત્યાં અમારા સંબંધીને બોલાવીને તેમને સોંપી દીધો છે.